કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાથી નાગરિકોની સુખાકારી વધી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે દાહોદથી બારમાં તબક્કાના રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રુંખલાનો શુભારંભ કરાવ્યો
અબતક, રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે દાહોદથી બા2મા તબક્કાના રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રુંખલાનો શુભારંભ કરાવ્યો હતો, જેના અનુસંધાન રાજકોટના અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતેમંત્રી જિતુભાઇ વાઘાણી અને અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતિમા રાજકોટ મહાનગરપાલિકાનો ગરીબકલ્યાણ મેળો ખુલ્લો મુકાયો હતો.મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે બારમા તબક્કા અંતર્ગત યોજાયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનાઆયોજનો થકી રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને સીધી બેંક ખાતામાં તેમની સહાય પહોંચાડી શકી છે અને લોકોને સંતોષની અનુભૂતિ થઈ રહી છે. સમગ્ર રાજ્યના લોકોની સુખાકારી વધી છે અને નવા વિકાસલક્ષી પરિવર્તનોના પરિણામો સાંપડી રહ્યા છે.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને સમર્થન આપી તેમનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તરના ભોળા માનવીને દલાલ થી બચાવી, લોકોની સુખાકારીમાં વધારો કરી, નવા પરિવર્તનોનું નિર્માણ થઇ રહ્યું છે. આયુષ્માન કાર્ડ રૂપે સંજીવની જેવું વરદાન પ્રાપ્ત થયું છે. સૌની યોજના, આત્મનિર્ભર ભારત અને ડિજિટલાઇઝેશનની મદદથી દલાલી હટાવી લોકોને રાહત મળવાની વાત કરી હતી.વાહન વ્યવહાર મંત્રી રૈયાણીએ જણાવ્યું હતું કે ગરીબી હટાવવા માટે કટીબદ્ધ સરકાર પૂરતા પ્રયત્નો કરીને કોઈ પણ પ્રકારના વચેટિયાઓ વગર લાભાર્થીઓને હાથોહાથ સહાય મચાવી રહી છે.
646 લાભાર્થીઓને રૂ.પાંચ કરોડ 14 લાખથી વધુ રકમના લાભોનું વિતરણ
મેયર ડોક્ટર પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં ગરીબ કલ્યાણ મેળાનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે છેવાડાના માનવીને સુવિધા અને સવલતો આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ વગેરે જેવી પાયાની સુવિધાઓના લાભ મહાનગરપાલિકાના રહીશોને પહોંચાડવામાં આવે છે.અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા રાજકોટ મહાનગરપાલિકાના ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી વાઘાણી, રૈયાણી અને અન્ય આમંત્રિતોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી પ્રતીક રૂપે લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવી હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ફુલ 646 લાભાર્થીઓને રૂ. પાંચ કરોડ 14 લાખથી વધુ રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી વાઘાણી અને મહાનુભાવોએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં પીજીવીસીએલ બેન્કિંગ આરોગ્ય વગેરે વિભાગો ની જાણકારી માટેના સ્ટોર પણ રાખવામાં આવેલ છે. તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન કોવીડ પ્રોટોકોલને ધ્યાને રાખીને કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.