ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક મળી: દરેક બુ દીઠ ઓછામાં ઓછા ૧૦૦ સભ્યો બનાવવાનો અનુરોધ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ કે.સી.પટેલ તથા શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, સદસ્યતા અભિયાનના સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા સહ સંયોજક રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપાના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજજીના નિધન પર શોક વ્યક્ત કરતાં બે મીનીટ મૌન પાળી પ્રદેશ બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં જમ્મુ અને કાશ્મીરના કલમ-૩૭૦ના ૭૦ વર્ષ જુના પ્રશ્નનો ઉકેલ કેન્દ્રમાં નવી સરકાર બન્યાના ૭૦ દિવસમાં જ લાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર દેશ મેરા દેશ બદલ રહા હૈ ની ભાવનાની અનુભૂતિ કરી રહ્યો છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશભરમાં યુવાનો, આધેડ અને વડીલો સહિત દરેક ઉંમરના લોકોએ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયને વધાવીને ઉજવણી કરી છે અને આજે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. દેશના સર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના રક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ સાથે દેશહિતમાં કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યા છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઝાદી બાદ ૭૦ વર્ષથી વિકાસની મુખ્યધારાથી વંચિત રહેલ જમ્મુ-કાશ્મીરમાં ચોતરફ વિકાસ થશે.
વાઘાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પારદર્શી, સંવેદનશીલ, પ્રગતીશીલ રાજ્ય સરકારના ત્રણ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડુતો, આદિવાસીઓ, દલીતો… દરેક વર્ગના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી રાજ્યની જનતાના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ માર્ગદર્શક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભાજપા હંમેશા દેશ પ્રથમની ભાવના સાથે લોકો વચ્ચે જાય છે ત્યારે સમાજના દરેક વર્ગો વર્તમાન સદસ્યતા અભિયાનમાં જોડાય એ આપણી પ્રાથમિક જવાબદારી બને છે. ભાજપાનું સંગઠન હંમેશા લોકસેવા અને લોકોની સમસ્યાના ઉકેલ માટે તત્પર હોય છે. આ વિચારધારા સાથે રાજ્યના તમામ નાગરિકો જોડાય તે ઈચ્છનીય છે.