અર્વાચીન આયોજન વચ્ચે ખંડપ્રાચીન ગરબા: આદ્યશકિત સાથ-સાથ ગરબે ઘુમી રહ્યો છે તેવો ભકિતમય માહોલ સર્જાયો
શહેરની રૈયા રોડ સ્થિત અલ્કાપુરી સોસાયટીમાં છેલ્લા ૨૨ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાલિકાઓની સુરતાલનાં સથવારે આરાધના કરે છે. સાક્ષાત જાણે માં આદ્યશકિત ગરબે ઘુમી રહી હોય તેવો ભકિતમય માહોલ શનિવારે સર્જાયો હતો. નાની-નાની ૧૦થી વધુ બાળાઓએ ભુવા રાસ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નવદુર્ગા ગરબી મંડળનાં આયોજક ગીરીશ ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં લગભગ ૮ થી ૧૦ વર્ષની ઉંમરની ૪૦થી વધુ બાળાઓ ભાગ લ્યે છે. આજથી ૨૨ વર્ષ પહેલા અમે આ ગરબીની શરૂઆત કરાવી હતી ત્યારબાદ અમારા અલ્કાપુરી સોસાયટીનાં સભ્યોનાં સહયોગથી આ ગરબીનું આયોજન થાય છે. અલ્કાપુરી વિસ્તાર સહિત વિમાનગર અને અન્ય વિસ્તારોમાંથી પણ બાળાઓ અમારી ગરબીમાં ભાગ લ્યે છે. છેલ્લા બે-પાંચ વર્ષથી અમારે બેંગ્લોર જવાનું થયું પરંતુ જયારે નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે માતાજીની આરાધના કરવા અમે અહીં પધારીએ છીએ.