સ્ટાફની ઘટ બાબતે પોરબંદર વડી કચેરીને રિપોર્ટ: લોકોને પડતી અગવડતા દૂર કરવા માંગ
માંગરોળ શહેરની એક માત્ર પોસ્ટ ઓફીસના કથળેલા વહીવટથી લોકો તૌબા પોકારી ઉઠયા છે. હાલમાં બે કચેરીઓ બંધ કરી દેવાયા બાદ ૬ કલાકઁના સેટઅપ સામે લાંબા સમયથી માત્ર બે કમઁચારીઓ પર કામનું સઘળું ભારણ આવી પડતા રોજબરોજના કામકાજ પર વિપરીત અસર પડી છે. લોકોને પડી રહેલી હાલાકી નિવારવા જરૂરીયાતના સ્ટાફની તાત્કાલિક નિમણૂંક કરવા માંગણી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ:- શહેરમાં આવેલી ૪ પોસ્ટ ઓફીસ પૈકી એમ.જી.રોડની કચેરી છ માસ પહેલાં બંધ થઈ ગઇ છે. જયારે શારદાગ્રામ ખાતે આવેલી શાખાને ત્રણેક માસ પહેલા તાળા લાગી ગયા છે. બે શાખાઓની સુવિધા તો ઝુંટવાઈ ગઇ છે. જયારે બંદર વિસ્તારની શાખામાં નેટ કનેકટિવિટીના અભાવે અનેકવાર કામકાજ ઠપ્પ રહે છે. બાકી રહી ટાવરરોડની શાખા, કે જેનું ૩૦ લાખના ખચેઁ નવું બિલ્ડીંગ બનાવાયુ છે ત્યાં ફકત ૨ જ કારકુનથી રગશીયા ગાડાની માફક વહીવટ ચાલી રહ્યો છે.
અહીં ૬ કલાકઁની સ્ટ્રેન્થ છે. પરંતુ નિવૃત્તિ, મેડિકલ રજાને લીધે ચાર કલાકઁની ઘટ પડતા છેલ્લા એક વષઁથી કવર-ટપાલોનું શોટીઁગ, ટીકીટ-સ્ટેમ્પનું વેચાણ, રીકરીંગ, સેવિંગ, લાઈટ બીલ, ટેલિફોન બિલ, પેન્શન તથા વિધવા સહાય, તમામ ઓનલાઇન સહિતની કામગીરી માત્ર બે કમઁચારીઓના શીરે છે. આશરે એક લાખની વસ્તીની પોસ્ટ સબંધિત કામગીરી માટે પોસ્ટ માસ્તર અને બે કારકુન પર આવેલી કામગીરીથી વહીવટ ખોરંભાયો હોવાની ફરીયાદો ઉઠી છે. સ્ટાફની ઘટ બાબતે પોરબંદર વડી કચેરીને અનેક વાર રિપોર્ટ કરાયો છે. ત્યારે લોકોને પડી રહેલી અગવડો તાત્કાલિક દુર કરવા માંગ ઉઠી છે.