ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત: 2000 લોકોએ ઉત્સાહભેર ચલાવી સાયકલ
અબતક, રાજકોટ
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત સાઈકલોથોન”નું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીના ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બને અને તંદુરસ્ત રહે તેવા શુભ આશય સાથે “ફિટ ઇન્ડિયા” રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાવ્યું હતું, જે અભિયાનમાં ગુજરાત રાજ્ય પણ પોતાનું યોગદાન આપી રહયું છે. ગુજરાતે “ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહેવા જાગૃત કર્યા છે.
મને એ જોઈને આનંદ થાય છે કે, આજના “સાઈક્લોથોન” ઇવેન્ટમાં આટલી બહોળી સંખ્યામાં સાઈકલ સવારો સામેલ થયા છે એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહના ભાગરૂપે મહાપાલિકા દ્વારા સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છુ, સાયકલોથોનમાં રાજકોટવાસીઓ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે જે ખુબ આનદની વાત છે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે કસરત એ શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય છે. માનવીના મન અને તન સુંદર હોવા જોઈએ જે કસરત કરવાથી સુંદર અને સ્વસ્થ બને છે.
મેયર ડો. પ્રદિપ ડવએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સાયકલોથોન યોજવામાં આવી છે જેમાં 1235 નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 2000 જેટલા શહેરીજનો ઉત્સાહભેર જોડાયા
મેયર ડો. પ્રદિપ ડવ અને તેમના બે સંતાનોએ સાયકલોથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો
સાયકલોથોનની આ ઇવેન્ટમાં રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ અને તેમના બે સંતાનો પ્રિયાંશી (ઉ.વ. 12) અને હિતાર્થ (ઉ.વ. 7)એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા અન્ય લોકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
85 વર્ષીય નાગરિકે પણ જુસ્સાભેર ભાગ લીધો
આ ઇવેન્ટમાં 85 વર્ષીય સાયક્લીસ્ટ રજનીભાઈ પુજારાએ તમ્બાકુ સહિતના વ્યસનોથી દુર રહી કેન્સરથી બચવાનો સંદેશ આપતી પત્રિકા પોતાની સાથે રાખી સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાયકલોથોનમાં ભાગ લઇ લોકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હતા. તેમનો આ જુસ્સો જોઈને મંચસ્થ મહાનુભાવોએ તેમને રૂબરૂ મળી બિરદાવ્યા હતા.