કોર્પોરેશન પ્રથમવાર કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી કરવા જઈ રહ્યું હોય અભ્યાસ અર્થે દરખાસ્ત પેન્ડીંગ રખાઈ છે: સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૫૮.૯૭ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. કારપેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ હેઠળ વેરાના દર નકકી કરવા અને નિયમો બનાવવાની દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડીંગ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ૫૧ પૈકી એક દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે,આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૫૧ પૈકી બે દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી. જયારે આરોગ્ય કેન્દ્ર માટે નવી ૮૩ જગ્યાઓ ઉભી કરવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે. બાકીની તમામ ૪૮ દરખાસ્તોને બહાલી આપી રૂ.૫૮.૯૭ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા પ્રથમ વખત કારપેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી કરવા જઈ રહ્યું છે. જેમાં વેરાનો દર અસહ્ય ન હોય તે પ્રકારનો રહે અને નિયમો પણ કરદાતાઓને અનુકુળ આવે તેવા હોવા જોઈએ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કારપેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ હેઠળ વેરાના દર નકકી કરવા અને નિયમો બનાવવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. પૂર્ણ અભ્યાસ કર્યા બાદ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૯માં રૈયા ટીપી સ્કીમ નં.૧૬ (ડ્રાફટ)માં આવેલા ગંગોત્રી પાર્કથી રૈયા ગામ સુધીના વિસ્તારમાં કલવર્ટ બનાવવા માટે રૂ.૧.૫૪ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી રોડ જંકશન પર બની રહેલા ફલાઈ ઓવરબ્રીજ માટે વધારાનો રૂ.૭.૬૧ કરોડનો અને રૈયા રોડ જંકશન પર બની રહેલા બ્રીજ માટે વધારાનો રૂ.૭.૫૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૫માં નવી વોર્ડ ઓફિસ બનાવવા માટે રૂ.૪૪.૯૦ લાખ, વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ પાર્ટી પ્લોટને લાગુ મવડી વિસ્તારમાં બગીચો બનાવવા રૂ.૨૦.૬૭ લાખ અને વોર્ડ નં.૬માં બગીચો બનાવવા માટે રૂ.૫.૩૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.