બપોર સુધીમાં તો સવા ત્રણ સો લાભાર્થીઓને મળ્યો સેવાસેતુનો લાભ
પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નોના નિકાલ તેમજ સરકારની યોજનાઓના લાભ મેળવવા લોકો માટે તા.08/10/2022ના રોજ સવારે 09:00 કલાકે, શ્રી જે. જે. પાઠક પ્રાથમિક શાળા (શાળા નં. 19), સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે, વોર્ડ નં. 7માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, કમલેશભાઈ મિરાણી, ડો. દર્શિતાબેન શાહ, પુષ્કરભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, વર્ષાબેન પાંધી, નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, અનિલભાઈ પારેખ, પ્રતાપભાઈ વોરા, રમેશભાઈ દોમડીયા, અનિલભાઈ લીંબડ, રાજુભાઇ મૂંધવા, મયુરભાઈ શાહ, ગોવિંદભાઇ કાનગડ અને ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો અને રાજકોટ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક જ સ્થળ ખાતે વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે જેનાથી નાગરિકોનો સમય બચે અને ધક્કા ખાવા ન પડે તેના માટે આ પ્રકારના સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારી સેવાઓનો લાભ મળે છે. આ પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવએ લાભાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભવોને આવકારતા એમ જણાવ્યું હતું કે, લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ જેવા કે રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અલગ અલગ 55 થી વધુ પ્રકારની સેવાઓનો લાભ એક જ સ્થળ ખાતેથી મળે છે.