મેંગો માર્કેટમાંથી ૧૩.૩ કિલો પ્રતિબંધિત કાર્બાઈડનો જથ્થો જપ્ત કરાયો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરનાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાર્બાઈડથી કેરી પકવતા બે વેપારીને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટીસ પણ અપાઈ હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે મેંગો માર્કેટમાં શિવ ફ્રુડ મેંગો માર્કેટમાં ચેકિંગ દરમિયાન કેરી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડતા રૂ.૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ૫.૭ કિલો કાર્બાઈડનાં જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને વેપારી સુરેશભાઈ એમ.પટેલને નોટીસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવકૃપા હાર્ડવેરમાં ચેકિંગ દરમિયાન કેરી પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ૭.૬ કિલો જથ્થો મળી આવતા તેનો નાશ કરી દિનેશભાઈ ડી.પરમારને રૂ.૧૦ હજારનો દંડ ફટકારી નોટીસ આપવામાં આવી છે.