મહાપાલિકાની વોર્ડ વાઈઝ માસ્ક ઝુંબેશ હેઠળ કડક કાર્યવાહી
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં લોકોને એકત્ર નહી થવા અવારનવાર વિનતીસહ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં કેટલાક લોકો બેદકારીપૂર્ણ રીતે વર્તતા હોવાનું ધ્યાને આવેલ છે. આ સંજોગોમાં ચેપ પ્રસરવાનો ભય રહે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમ્યાન આજે તા. ૨૦-૦૭-૨૦૨૦ ના રોજ શહેરમાં માસ્ક પહેર્યા વિના ફરતા કુલ ૪૫૨ નાગરિકો પાસેથી રૂપિયા ૯૦,૪૦૦/- ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝુંબેશ ચલાવવા આદેશ આપાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ માસ્ક પહેરવા જાગૃત રહે તે માટેનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે. સૌ જાહેર સ્વાસ્થ્યના હિતમાં માસ્ક પહેરે, વખતો વખત હાથ ધોવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ વખતો વખત તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.