આજે વધુ ૬૫૦૦ ગુણીની આવક: નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી માલ ન લાવવા સુચના

સૌરાષ્ટ્રમાં નવી મગફળીનો પાક તૈયાર થતા સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ આજરોજ વધુ ૬૫૦૦ ગુણીની આવક થવા પામી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સતત આવક વધતા હાલ મગફળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જયાં સુધી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી માલ ન લાવવા ખેડૂતોને સૂચના આપવામાં આવે છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકશાન થવા પામ્યુ છે.

જો કે હાલ ખેતરોમાંથી નવી મગફળી નીકળી જતા ખેડૂતો નાણા છુટા કરવા અર્થે મબલખ મગફળી યાર્ડમાં ઠાલવી રહ્યાં છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ દિન પ્રતિદિન આવકમાં વધારો નોંધાતો જાય છે.

સુત્રોમાથી મળતી માહિતી મુજબ આજરોજ વધુ ૬૫૦૦ મગફળીની ગુણીની આવક થવા પામી છે. જેમાંથી માત્ર ૩૫૦૦ ગુણીની હરરાજી થઇ છે સતત નવી મગફળીની આવકથી સ્ટોક વધતા હાલ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મુકાયો છે.

અતિવૃષ્ટિએ કારણે ખાસ કરીને ભીનો માલ આવી રહ્યો છે જેથી ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે નબળી ગુણવતાવાળી મગફળીનો ભાવ પ્રતિમણ રૂ.૫૦૦થી ૬૫૦, સરેરાશ માલના રૂ.૭૫૦થી ૮૫૦ તેમજ બેસ્ટ કવોલીટીના રૂ.૮૫૦થી ૯૩૦ જેવા ભાવ ઉપજી રહ્યા છે. જયાં સુધી નવી તારીખ જાહેર ન થયા ત્યાં સુધી યાર્ડમાં નવી મગફળી ન લાવવા ખેડૂતોને સૂચના અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.