૭૫ થી ૮૦ હજાર ગુણી મગફળી ઠલવાય તેવી શકયતા
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે અઠવાડિયાના વિરામ બાદ ફરી મગફળીની આવક શરૂ કરાશે. મગફળીની સીઝન પૂર્ણતાને આરે હોય ત્યારે દર વખતની સરખામણીમાં આ વર્ષે ૭૫ થી ૮૦ હજાર જેવી મગફળીની ગુણી ઠલવાઈ તેવી શકયતા છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત સપ્તાહની પડતર મગફળીનો આજ સુધીમાં નિકાલ થઈ ગયો હોય જેથી આજે પુન: મગફળીની આવક શરૂ કરી દેવાય છે. ઠંડીની અને રાત્રી કર્ફ્યુની અમલવારી વચ્ચે તેમજ ખેડૂતો હેરાન ન થાય તે માટે આજ બપોર બાદ જ મગફળીની આવક શરૂ કરાશે. આવક શરૂ કર્યાના ત્રણ કલાક સુધી વાહનોને પ્રવેશ કરવા દેવામાં આવશે.
ચાલુ વર્ષે કપાસના પાકને પણ વ્યાપક નુકશાન થયું હોય જેથી તેની આવક પણ પ્રમાણમાં ઓછી રહે છે. દરરોજ સરેરાશ ૧૮ થી ૨૫ હજાર પણ જેવા કપાસની આવક થાય છે. કપાસના ઓછા ઉત્પાદન સામે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. હાલ બેડી યાર્ડમાં કપાસના રૂ.૯૦૦ થક્ષ ૧૧૫૦ સુધીના ભાવ બોલાઈ રહ્યાં છે. ત્યારે મગફળીના પણ ઉચામાં ભાવ રૂ.૧૧૦૦ સુધીના બોલાઈ રહ્યાં છે.
આ વર્ષે અતિવૃષ્ટિ વચ્ચે કપાસ, મગફળીના પાકને મોટુ નુકશાન થયું છે. ખેડૂતોનો અડધો અડધ પાક નિષ્ફળ ગયો છે. પરંતુ અતિવૃષ્ટિને કારણે જમીન ભેજવાળી રહેતા ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણાનું બમ્પર વાવેતર થયું છે. ત્યારે ખુબ જ ટૂંકાગાળામાં નવા ઘઉં-ચણાનું માર્કેટ યાર્ડમાં આગમન થશે અને ચાલુ વર્ષે ચણાની પુષ્કળ આવક થવાની શકયતાઓ સેવાઈ રહી છે.