સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદથી યાર્ડમાં આવક ઘટી: તહેવારો ટાંકણે કપાસીયા તેલ પણ મોંઘુ થતા લોકોને મોંઘવારીનો અહેસાસ
સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખતું સીંગતેલના ભાવમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે સીંગતેલના ડબ્બે વધુ રૂા.૧૦નો ઉછાળો થતા હવે ગરીબો માટે તો તહેવારોમાં સીંગતેલ સ્વપ્ન બને તેવું લાગી રહ્યું છે.
જોકે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે યાર્ડમાં મગફળીની આવક ઘટવા પામી છે. જેથી સીંગતેલમાં રૂા.૧૦નો વધારો થયો હતો. સીંગતેલના નવા ડબ્બાના ભાવ રૂા.૨૧૧૦ થી ૨૧૩૦ની સપાટીએ પહોંચ્યા હતા. જયારે બે દિવસ પહેલા સીંગતેલ લુઝ ૧૦ કિલોના ભાવ રૂા.૧૨૨૫ હતા જે આજે રૂા.૧૦ના વધારા સાથે ૧૨૩૫ ઉપર પહોંચ્યો છે.
સીંગતેલની સાથે સાથે કપાસીયા તેલ પણ મોંઘુ થતા ગૃહિણીઓ નારાજ થાય તે સ્વાભાવિક છે. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ રૂા.૧૪૫૫ થી રૂા.૧૪૭૫ થયા હતા. સીંગતેલમાં બે દિવસમાં ૨૦ થી ૨૫ રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય રીતે તહેવારો ટાંકણે ખાસ કરીને સાતમ-આઠમ, દિવાળી વગેરે જેવા પર્વોમાં તેલના ભાવ આસમાને પહોંચતા હોય છે ત્યારે વિરોધનો વંટોળ પણ જાગે છે પરંતુ પરીણામની આશા નકારી નિવડે છે.
સારા વરસાદથી ખેડુતો મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે અને પાક પણ વિપુલ પ્રમાણમાં થતો હોય ત્યારે સામાન્ય રીતે તેલ સસ્તુ થશે તેવું લોકોમાં ચર્ચાતુ હોય છે પરંતુ સસ્તુ શબ્દ અસ્થાને હોય તેવું ચિત્ર ખડુ થાય છે. ખેર…આ વર્ષે પણ તહેવારોમાં સીંગતેલના ભાવ જાણે કે ભડકે બળી રહ્યા હોય તેમાં પણ ભાવ વધારાનો ઉમેરો થતો જ રહે છે.