વાવણીલાયક વરસાદ તમામ વિસ્તારમાં થયો નથી, છતાં ખેડુતોએ કુદરતના ભરોસે વાવણી કરી
જામનગર જિલ્લામાં ખેડૂતોએ અત્યાર સુધીમાં ૩૨ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળી અને ૧૩ હજાર હેક્ટર જેટલી જમીનમાં કપાસનું વાવેતર વાવણીલાયક વરસાદ થતા પહેલાં જ કુદરતના ભરોસે કરી દીધું છે.
જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણેક વર્ષથી સાડા ત્રણ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી થતી રહી છે. ખેડૂતો મુખ્યત્વે મગફળી અને કપાસ જેવા રોકડીયા પાકોનું વાવેતર કરતા હોય છે. જિલ્લામાં હજુ વાવણીલાયક વરસાદ તમામ વિસ્તારોમાં થયો નથી, પરંતુ કેટલાક ખેડૂતોએ કુદરતના ભરોસે વાવણી કરી દીધી છે, અત્યાર સુધીમાં ૪૬ હજાર હેક્ટરથી વધુ જમીનમાં વાવણી થઈ હોવાનું જાણવા મળે છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીન ૩,૬૧, ૫૩૩ હેક્ટર છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી ૩,૪૬,૫૭૪ હેક્ટર જમીનમાં વાવેતર થતું રહ્યું છે. અત્યાર સુધીમાં કેટલાક ખેડૂતોએ ચાર-પાંચ પાકોનું જ વાવેતર કર્યું હતું. ગયા અઠવાડીયા સુધીમાં જિલ્લામાં મગફળીની વાવણી ૩૨૪૫૪ હેક્ટરમાં અને કપાસનું વાવેતર ૧૩૧૯૦ હેઠળ જમીનમાં થયું છે. તાલુકાવાર અંદાજો મુજબ જામનગર તાલુકામાં ૯૭૫, જામજોધપુર તાલુકામાં ૮૮૦૧, ધ્રોલ તાલુકામાં ૨૩૦૨, જોડીયા તાલુકામાં ૨૯૦૧, કાલાવડ તાલુકામાં ૩૦૧૮૯ અને લાલપુર તાલુકામાં ૧૬૪૫ હેક્ટરમાં વાવેતર થયું છે.