સર્વત્ર વરસાદથી જગતનો તાત વાવણી કામમાં લાગી ગયો છે. સૌરાષ્ટ્રભરમાં ઘણા ખેડૂતોએ વાવણી માટે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હતું. જે ખેડૂતો પિયત ધરાવતા હતા તેઓ દિવસો અગાઉ વાવણી કરી ચૂક્યા છે. જામનગર જિલ્લામાં આ વર્ષે પાણીની સગવડ અને સારા વરસાદની આશાએ સૌથી વધુ મગફળીનું વાવેતર થઈ રહ્યું છે. મગફળી બાદ કપાસનું વાવેતર થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કપાસ-મગફળીનો પાક મુખ્ય છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાણીની સગવડથી મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે અને બીજા ક્રમે કપાસનું વાવેતર કરી ખેડૂત ખેતીકામમાં જોતરાયો છે. જામનગર જિલ્લામાં ભીમ અગ્યારસ પહેલા જ મેઘરાજાએ કૃપા વરસાવી દેતા ઘણા ખેડૂતોએ વાવણીના કાર્ય શ્રીગણેશ કરી દીધા હતાં.

જિલ્લામાં મગફળીનું મબલખ વાવેતર, 7398 હેકટરમાં વાવણી

પાણીથી ભરેલા કુવા-બોર અને પિયતની સગવડથી ખેડૂતો નિશ્ર્ચિંત

સિંચાઈના ડેમોમાં પણ પાણી હોવાથી ખેડુતોની માંગ મુજબ સિંચાઈનું પાણી કેનાલ મારફત યોગ્ય સમયે ખેડુતોને મળે છે

વાવેતરમાં કાલાવડ તાલુકાના ખેડુતો પાછળ રહ્યા

જામનગર જિલ્લામાં આમ જોઇએ તો સિંચાઇના ડેમોમાંથી પાણીની સગવડતા હોય તેમજ પીયત ધરાવતા ખેડૂતોએ વાવેતર કરી દીધેલ હતું. જેમાં મુખ્યત્વે મગફળીનું 4350 હેકટરમાં વાવેતર કરેલ છે. અને કપાસનું વાવેતર 1879 હેકટરમાં વાવેતર કરતા જિલ્લામાં કુલ 7378 હેકટર જમીનમાં વાવેતર થયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.જામનગર જિલ્લામાં ઘણા લાંબા સમય પછી આ વર્ષે પણ પાણીની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધેલ છે. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં 6 તાલુકામાં કુલ 347668 હેકટર જમીનમાં વાવેતર સરેરાશ કરવામાં આવે છે.

ત્યારે આ વર્ષે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ સારો એવો વરસાદ ભીમ અગ્યારસ પહેલા જ થઇ ગયો હતો. સાથે સાથે સિંચાઇના ડેમોમાં પણ પાણી હોવાથી ખેડૂતોની માંગ મુજબ સિંચાઇનું પાણી પણ કેનાલ મારફત ખેડૂતોને મળે છે.સાથે સાથે અનેક ખેડૂતોના કૂવા અને બોરમાં આ વર્ષે પાણી રહ્યું હોય જેથી પિયતની મુશ્કેલી ન હોવાથી ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધેલ છે.

જિલ્લા ખેતી વાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ 18 જૂનની સ્થિતિએ ધ્રોલતાલુકામાં મગફળીનું વાવેતર 2065 હેકટર જમીનમાં, કપાસનું વાવેતર 130 હેકટર જમીનમાં કરેલ છે. આમ ધ્રોલ તાલુકામાં 2191 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જામજોધપુર તાલુકામાં 178 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જયારે કાલાવડ તાલુકાના ખેડુતો વાવણીમાં પાછળ રહ્યા છે.

જિલ્લામાં કેટલું વાવેતર ?

  • મગફળીનું 4350 હેકટરમાં વાવેતર
  • કપાસનું 1879 હેકટરમાં વાવેતર

ક્યાં કેટલું વાવેતર ?

  • ધ્રોલમાં મગફળી 2065 હેકટરમાં
  • ધ્રોલમાં કપાસ 130 હેકટરમાં
  • જામજોધપુરમાં મગફળી 179 હેકટરમાં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.