ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા ખરીફ પાકોનું વાવેતર ઘટ્યું : કપાસનો ભાવ વધુ રહેતા ખેડૂતો કપાસના વાવેતર તરફ વળ્યા
સોંરાષ્ટ્રમાં ગત દિવસોમાં વરસાદે હાઉકલી કરી જતા ખરીફ પાકોનું વાવેતર કરવામાં જગતનો તાત મુંજાયો છે. જોકે છેલ્લા બે દિવસથી પડી રહેલા સચરાચર વરસાદથી હવે આ ખરીફપાકોના વાવેતરમાં વધારો થશે. રાજકોટ જિલ્લામાં મધ્યમ વરસાદને કારણે માંડ 17150 હેક્ટરમાં ખરીફપાક મગફળીનું વાવેતર નોંધાયું છે.
ગત વર્ષની સાપેક્ષમાં ખરીફપાકોનું 30 થી 35 ટકા વાવેતર ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં 23 લાખ સહિત રાજ્યમાં 30 લાખ હેક્ટરમાં ખરીફ પાક વાવેતર કરાયું છે. ચોમાસાના પ્રથમ માસમાં ગત વર્ષથી 33 ટકા વાવેતર ઓછુ થવા પામ્યું છે. કૂલ વાવેતરના 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું છે. માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ કપાસમાં 300 સુધી ઘટાડો નોંધાયો છે તો મગફળી ભાવમાં સ્થિર રહી છે
રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી છે, ગત વર્ષથી 10.23 લાખ હેક્ટરમાં વાવણી ઓછી થઈ છે. સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં મગફળીનું 93 હજાર,કપાસનું 1.38 લાખ હેક્ટરમાં વાવેતર, અન્ય કઠોળ,ધાન્યમાં હજુ સુસ્તી જોવા મળી રહી છે. રાજ્યના કૃષિ વિભાગે આજે જારી કરેલી વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં 23 લાખ હેક્ટર સહિત રાજ્યમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં એક માસમાં વાવેતર થયું છે. રાજ્યમાં હજુ 35 ટકા વાવણી થઈ છે અને તેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું અને તે પણ મુખ્યત્વે રાજ્યના 33 પૈકી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વાવેતર થયું છે. એકમાત્ર કપાસનું વાવેતર ગત વર્ષના જેટલું થઈ રહ્યું છે જ્યારે મગફળી સહિત અન્ય તમામ પાકોનું વાવેતર ગત વર્ષ કરતા ઓછુ છે. ગત વર્ષે 4 જૂન સુધીમાં રાજ્યમાં કૂલ 40.53 લાખ હે.માં વાવેતર થઈ ગયું હતું, આ વર્ષે તેની સામે 30.20 લાખ હેક્ટરમાં એટલે કે 10.23 લાખ હેક્ટરમાં વાવેતર ઓછું છે. આમ, મોટાભાગના ખેડૂતો હજુ ઉતાવળ કરવાના મુડમાં નથી.મગફળીનું વાવેતર પણ ગત વર્ષથી 35-40 ટકા ઓછુ થઈ રહ્યું છે. કૂલ વાવેતરના 50 ટકાથી વધુ, 15.57 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર થયું છે.
ગત ઉનાળામાં કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં ઐતહાસિક ઉંચાઈએ પ્રતિ મણના રૂમ.2800ને પાર થયા હતા. જેના પગલે ખેડૂતો કપાસ તરફ વધુ વળ્યાનું જણાય છે. જો કે, હાલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બે સપ્તાહથી આંશિક ઘટાડાનું વલણ છે અને ગત 22 જૂન સુધી પ્રતિ મણના રૂમ.2500ને પાર રહેલા ભાવ ક્રમશ: ઘટીને આજે રૂમ.2212ના ભાવે સોદા થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 ટકા જમીનમાં (10.14 લાખ હે.)માં મગફળીનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 14.50 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થઈ ગયું હતું. માર્કેટ યાર્ડમાં હાલ મગફળીના ભાવ 1000 થી 1300 વચ્ચે સ્થિર છે.
અત્યાર સુધીમાં કપાસનું સર્વાધિક વાવેતર સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 29,360 હે., સુરેન્દ્રનગરમાં 21,310 હે.માં જ્યારે મગફળીનું સૌથી વધુ જુનાગઢમાં 17450 હે.માં અને રાજકોટ જિ.માં 17150 હે.માં થયુ છે.આ પૈકી અમરેલી અને જુનાગઢ જિલ્લામાં સારો વરસાદ થયો છે, રાજકોટ જિલ્લામાં મધ્યમ વરસાદ છે.જ્યારે રાજ્યના અન્ય ભાગમાં ઉત્તર ગુજરાતમાં મગફળીનું 93,300 હે. અને કપાસનું 1.38 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. એકંદરે રાજ્યની 86 લાખ હે.થી વધુ ખેડવાણ જમીનમાં ચોમાસાનો સવા મહિનો વિતી ગયો છે ત્યારે વાવણી ગત વર્ષની સાપેક્ષે 30-35 ટકા ધીમી છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, અન્ય ધાન્ય પાકો, મગ,મઠ,અડદ સહિત કઠોળ, તલ, દિવેલા, સોયાબીન સહિત તેલિબિયાના વાવેતરમાં હજુ વેગ આવ્યો નથી.
છેલ્લા બે દિવસના વરસાદના કારણે વાવેતરમાં થશે વધારો
રાજકોટ જિલ્લામાં ગત દિવસોમાં ઓછાથી મધ્યમ વરસાદના કારણે ખરીફ પાકનું વાવેતર ઓછું થવા પામ્યું હતું. જોકે છેલ્લા બે દિવસથી જિલ્લામાં લગભગ તાલુકાઓમાં પડી રહેલા સારા વરસાદના કારણે ખરીફપાક મગફળીનું વાવેતર કરવા ખેડૂતો ઉત્સુક હોય એમ જણાય રહ્યું છે. હાલ રાજકોટ જિલ્લામાં 17150 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે તેમાં વધારો થશે તેવું જાણકારો જણાવી રહયાં છે, કારણકે ઓછા વરસાદને કારણે ઘણાં ખેડૂતો વાવણીકાર્યથી વંચિત રહેવા પામ્યાં હતાં.