જેનું વર્ચસ્વ તેની સાથે રહેવાની જૈન અગ્રણી મયુર શાહની પરંપરા
જારી: સી.આર.ને કમળ અર્પી 182 બેઠકો જીતવાની શુભકામના પાઠવી
અબતક, રાજકોટ
ભાજપને સદાકાળ સમર્પીત મયુરભાઇ શાહે પક્ષમાં જેનું વજન હોય તેની સાથે રહેવાની પરંપરા જાળવી રાખી છે. ગત શનિવારે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા.ત્યારે તેઓએ સી.આર.ને હીરાજડીત સોનેરી કમળ અર્પણ કરી વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાની શુભકામના પાઠવી હતી. જયારે જયારે પક્ષને જરૂર પડી છે ત્યારે મયુરે હમેંશા પંખ ફેલાવી મનમોહક કલા કરી છે. શહેર ભાજપમાં હવે ત્રીજુ જુથ સક્રિય થઇ રહ્યું છે. ત્યારે અગાઉના જુથ સાથે ઘરોબો ઓછો કરી નવા જુથમાં સેટ થઇ જઇ મયુરભાઇ શહેર ભાજપમાં ‘શાહ’ થવા ઇચ્છી રહ્યા છે. કાર્યક્રમ બ્રહ્મસમાજનો હતો જેમાં શહેર ભાજપના કોઇ નેતા હાજર ન હતા છતાં મયુરભાઇ શાહ હેમુ ગઢવી હોલ ખાતે પહોંચી ગયા હતા અને બ્રહ્મસમાજના અગ્રણી કશ્યપભાઇ શુકલના સઁપૂર્ણ ટેકાથી સી.આર. પાટીલને હીરાજડીત સોનેરી કમળ આપવામાં સફળ રહ્યા હતા. તેઓએ હિરાજડીત કમળની મદદથી કમળના સુકાનીના દિલો દિમાગમાં હીરો બનવાનો પ્રયાસ કર્યો હતો.
હેમુ ગઢવી હોલ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા જ્ઞાન સંકલ્પ પ્રકલ્પ 3 ના કાર્યક્મ માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ખાસ બંગાળી કારીગર દ્વારા તૈયાર કરેલ ડાયમંડ જડીત સોનેરી કમળ ભાજપ અને જૈન અગ્રણી મયુર શાહ દ્વારા સ્મૃતિ ચિન્હ રૂપે અર્પણ કરી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી 182 બેઠક ઉપર જંગી જીત મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી આ તકે બ્રહ્મસમાજ અગ્રણી કશ્યપભાઇ શુક્લ અને પ્રમુખ દર્શીતભાઇ જાની પણ જોડાયા હતા. કાર્યક્રમ માં સાંસદ રામભાઇ મોકરીયા તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતી હતી.