- મંજૂરી વિનાના અલગ અલગ ત્રણ આયોજનો બંધ કરાવી દેવાયા: ત્રણ આયોજકો વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો
- ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસનું શહેરભરમાં જબરું ચેકીંગ
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને અંગ્રેજી કેલેન્ડર મુજબના નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટે પોલીસે કમર કસતા એસઓજી, ડીસીબી, એલસીબી, સ્થાનિક પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ ઝુંબેશ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંજૂરી વિના ચાલી રહેલા ત્રણ થર્ટી ફર્સ્ટના આયોજનો પણ બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ચેકીંગ ઝુંબેશ વચ્ચે શહેરમાં રંગે ચંગે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી થઇ હતી.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આવારા તત્વો છાકટાવેળા કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જોખમ ઉભું ન કરે તેના માટે ક્રાઇમ બ્રાન્ચની પાંચ, એસઓજીની ત્રણ, ઈઓડબ્લ્યુની બે એમ મળી કુલ 10 ટીમો ઉપરાંત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો, 13 જેટલી શી ટીમ તેમજ ટ્રાફિક પોલીસના 300 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શહેરના શહેરના અલગ અલગ રાજમાર્ગો, સર્કલ પર બ્રેથ એનેલઇઝર અને ડ્રગ્સ કીટ એનેલાઇઝર મારફત ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું અને નશેડીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ અગાઉથી જ જાહેર કરી દીધું હતું કે, મંજૂરી વિનાના એક પણ આયોજનોને ચાલુ રહેવા દેવામાં આવશે નહિ ત્યારે રાત્રીના સમયે પોલીસે એક રિસોર્ટ અને બે પાર્ટી પ્લોટમાં મંજૂરી વિના ચાલી રહેલી થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ બંધ કરાવી હતી. જયારે અટલ સરોવર નજીક ચાલી રહેલી થર્ટી ફર્સ્ટની પાર્ટીના ત્રણ આયોજકો હાર્દિકસિંહ રાઠોડ, મનીષભાઈ ચાવડા અને પારસભાઈ જોષી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
રેવ પાર્ટી તો નથી ચાલી રહી ને? એસઓજીએ ડ્રોન મારફત બાજ નજર રાખી
યુવાધનને થર્ટી ફર્સ્ટના બહાને રેવ પાર્ટી યોજી નશાના કાળા અંધારામાં ધકેલી દેવાનું કાવતરું ઘડાય નહિ તેના માટે એસઓજી ડ્રગ્સ કીટ એનેલાંઇઝર વડે ચેકીંગ હાથ ધર્યું હતું. ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતી પાર્ટીઓ, પાર્કિંગ સહિતના વિસ્તારો પર ડ્રોન વડે બાજ નજર રાખવામાં આવી હતી. એસઓજીએ, કટારીયા ચોકડી, કોનપ્લેક્સ પાર્ટી લોન્જ, નિરાલી રિસોર્ટ, ટી પોસ્ટ, એમટીવી, સંગમ પાર્ટી લોન્જ, બાર્બીક્યુ ધાબા, 150 ફૂટ રીંગ રોડના પાર્કિંગ, સેક્ધડ વાઈફ હોટેલ, ડીલાઈટ હોટેલ સહીતની પાર્ટીઓમાં ડ્રોન વડે સર્વેલન્સ હાથ ધર્યું હતું.
13 શી ટીમે અલગ-અલગ આયોજનોમાં મહિલા સુરક્ષાની તકેદારી રાખી
થર્ટી ફર્સ્ટ અનુંસંધાને શહેર પોલીસની અલગ અલગ 13 શી ટીમ યુનિફોર્મમાં ફરજ બજાવી હતી. જેઓ પેટ્રોલિંગની સાથે ખાનગી આયોજનો પર પણ નજર રાખી મહિલા સુરક્ષા માટે ફરજ બજાવી હતી. ઉપરાંત શહેરમાં કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાય નહિ તેના માટે અલગ કુલ 300 પોલીસ જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો હતો.