પેંન્ગોગ તળાવથી તબક્કાવાર સૈન્ય પરત ખેંચાશે: ફિંગર ૪થી ૮થી ચીનના સૈનિકો, જયારે ફિંગર ૨થી૩ વચ્ચેથી ભારતીય જવાનો પરત થશે
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર તનાવ વચ્ચે સતત ચાલી રહેલી વાટાઘાટોનુ સારુ પરિણામ જોવા મળ્યુ છે. બંને દેશોની સેનાઓએ યથાસ્થિતિ જાળવી રાખવા માટે ત્રણ તબક્કામાં પાછળ હટવા માટે સંમતિ દર્શાવી છે. તે પછી બંને દેશની સેના એપ્રિલ- મેમાં જે સ્થિતિ હતી ત્યાં પાછી જતી રહેશે. મે ૨૦૨૧ સુધીમાં યથાસ્થિતિ બહાલ થશે અને ચીન અને ભારત સીમા પરથી પોતાની ટેન્કો સહિતના ભારે સંરક્ષણ સાધનો પણ પાછા ખસેડશે. ૬ નવેમ્બરે બંને દેશો વચ્ચે આઠમી બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ તબક્કામાં સેના પાછી હટાવવા પર ચર્ચા થઈ હતી. આ યોજનાના અમલના ભાગરુપે પેંગોગ લેકની આસપાસથી સેના હટાવવાનુ કામ પહેલા શરુ થશે
લદાખ સરહદે થયેલી અથડામણ બાદ સૈનિકો પરત ખેંચવાની તૈયારી મામલે લાંબો સમય લાગ્યો હતો. તબક્કાવાર સૈનિકો પરત ખેંચવા માટેના ફેસલા પહેલા ભારતને વૈશ્વિક સ્તરે સારો એવો સમય મળી ગયો. ભારતીય દાવાને વૈશ્વિક સ્વીકૃતિ મળી. જેના પરિણામે ભારત માટે અનુકૂળ વાતાવરણ વૈશ્વિક સ્તરે સર્જાયું હતું ચીન ભારત નું દુશ્મન નથી પરંતુ સર્વભૌમત્વ ઝઝૂમવું ફરજિયાત છે.
પહેલા તબક્કામાં બંને દેશો ટેન્ક, તોપો અને હથિયારોથી સજ્જ વાહનોને એલએસીથી ખાસા દુર પાછા લઈ જશે. આ કામગીરી એક દિવસમાં પૂરી કરાશે. બીજા તબક્કામાં પેંગોગ લેકના ઉત્તરી કિનારા પર પણ બંને દેશની સેના પોતાની પહેલાની પોઝિશન પર પાછી ફરશે.આ કામગીરી ત્રણ દિવસ ચાલશે અને બંને દેશો રોજ ૩૦ ટકા સૈનિકોને પાછા હટાવશે. જેમાં ભારતીય સેના ધાનસિંહ થાપા પોસ્ટ સુધી પાછી જશે અને ચીની સેના ફિંગર આઠથી પાછળની પોઝિશન પર પાછી ફરશે. આ યોજનાના ત્રીજા તબક્કામાં, ભારત અને ચીનનાં સૈન્ય પેંગોંગ તળાવ વિસ્તારના દક્ષિણ વિસ્તારથી તેમની સેના પાછા ખેંચશે. આ સાથે, તણાવ દરમિયાન કબજે કરવામાં આવેલા ચૂશુલ, રેજાંગ લા પહાડો પણ ખાલી કરાશે. બંને સૈન્ય આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે, જેમાં સંમતિ થઈ છે.
ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી ભારતીય પક્ષ આ મુદ્દે ખૂબ કાળજીપૂર્વક આગળ વધી રહ્યું છે. આ ઘટના બાદ ચીન પરનો વિશ્વાસ ઘટી ગયો છે. આ જ કારણ છે ભારતે આ વિસ્તારમાં ૬૦ હજારથી વધુ સૈનિકોને તહેનાત કર્યા હતા. આ સાથે શિયાળાની ઋતુમાં લાંબી તહેનાતી માટે પણ તૈયારીઓ કરી લીધી હતી.
ફિંગર ૪ અને ફિંગર ૮ વિસ્તારનો પેટ્રોલ ઝોન જાહેર થવાની શકયતા
સેનાઓ તબક્કાવાર ડિ-એસ્કેલેશનના પ્રસ્તાવના મહત્વના પરિબળ હેઠળ ફિંગર પોઇન્ટ ૪ થી લઈને ફિંગર પોઇન્ટ ૮ સુધીના વિસ્તારને કેટલાંક સમય માટે નો પેટ્રોલિંગ ઝોન બનાવવા પર વિચાર કરવામાં આવશે. તેનો અર્થ એ થયો કે ભારત અને ચીન બંને પોતાના હાલના સ્થાનથી પીછેહઠ કરશે. જો આ પ્રસ્તાવ પર અમલ કરવામાં આવે છે તો ચીન ફિંગર પોઇન્ટ ૮થી પાછળ હટશે જેને ભારત લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) બતાવે છે.