યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બિરદાવી રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર પાઠવી પીઠ થાબડી
રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમજેએવાય યોજનામાં સર્વશ્રેષ્ઠ
દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ દર્દીઓને પૈસાના હિસાબે સારવાર ન મળે તેવી સ્થિતિ નાબૂદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેએવાય) શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને કાર્ડ અંતર્ગત રૂ.5-10 લાખ સુધીની સારવાર મળી રહે છે. જેમાં હાલ ગુજરાતભરમાં સરકારી હોસ્પિટલમાં રાજકોટની પીડિયુ સિવિલ હોસ્પિટલ ડંકો વગાડી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી અને પીએમજેએવાય યોજનાના નોડલ ઓફિસર ડો.મહેન્દ્ર ચાવડા દ્વારા તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં ખૂબ સારી કામગીરી કરવા બદલ આ સન્માન મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા દર્દીને પણ કાર્ડ કાઢી આપવામાં મદદ કરવાની સાથે ઇમરજન્સી કેસમાં દર્દીના બેડ ઉપર જઈ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી સિવિલમાં કરવામાં આવી રહી છે. આ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોવાનું સિવિલ સુપ્રિટેનડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સિવિલ અધિક્ષક ત્રિવેદીનાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ માટે ખાસ હેલ્પ ડેસ્ક કાર્યરત છે. જેમાં કાર્ડ ધરાવતા દર્દીઓને ગ્રીન કોરિડોર હેઠળ સારવાર આપવામાં આવે છે તેમજ આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા દર્દીઓને જો ઇમરજન્સી ન હોય તો જરૂરી દસ્તાવેજો મંગાવી સારવાર આપવામાં આવે છે. તેમજ ઇમરજન્સી હોય તેવા દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવે છે અને દર્દી થોડો સ્વસ્થ થાય ત્યારે એક ટીમ લેપટોપ સાથે તેની પાસે પહોંચે છે અને ત્યારબાદ સ્થળ પર જ તેનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરીનો સર્વે કર્યા ત્યારબાદ સૌથી સારી કામગીરી કરતી હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પીડીયું સિવિલ હોસ્પિટલની કામગીરી ખૂબ સારી હોવાને લઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભારી છું તેમજ આવનારા સમયમાં આ કામગીરી વધુમાં વધુ સરળ બને અને સૌથી વધુ લોકો તેનો લાભ લઇ શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી સિવિલમાંથી 5000 કાર્ડ ઇસ્યુ થયા: સિવિલ સર્જન ડો.ત્રિવેદી
રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા પીએમજેએવાય યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પીડિયુ સિવિલ હોસ્પિટલમાં 2018થી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી સિવિલમાંથી 5000થી પણ વધુ દર્દીઓને કાર્ડ કાઢી આપી યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી રૂ.10 કરોડ જેટલી રકમની સારવાર આપવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં રોજના 300 જેટલા યોજનાના કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે દર્દીઓ પહોંચી શકે તેવી સ્થિતિમાં ન હોય તેવા દર્દીઓના ખાટલે જઈ સ્ટાફ દ્વારા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
રોજના 150 જેટલા કાર્ડ દર્દીઓના ખાટલે જઈને કાઢવામાં આવી રહ્યા છે. પીએમજેએવાય યોજના અંતર્ગત રાજ્યભરમાં હાલ પીડિયુ સિવિલ હોસ્પિટલ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. જેના પગલે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ યોજનાના નોડલ ઓફિસર અને સિનિયર ડોકટર ડો.મહેન્દ્ર ચાવડા અને તમામ ટીમના સભ્યોની કામગીરીને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી.