અગાઉ કંટ્રોલના કોલમાં પીસીઆર લઈને ગયાનો ખાર રાખી ધોકા માર્યા: એકની શોધખોળ
શહેરના ભાગોળે ન્યારીડેમ પાસે પોલીસની વેનના ડ્રાઈવર પર બે ટ્રક ચાલકે ધોકાથી હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. કંટ્રોલ કોલમાં પીસીઆર લઈને આવ્યાનો ખાર રાખી માર માર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ આદરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ અક્ષરનગર વિસ્તારમાં રહેતા અને યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.ટી.વિભાગના આઉટસોર્સ ડ્રાઈવર રવિરાજસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા નામના 22 વર્ષીય યુવાન પર ન્યારીડેમ પાસે ટ્રક ચાલક નીતિન ચૌહાણ અને નીતિન હરેશ ચાવડા નામના શખ્સોએ ધોકાથી હુમલો કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે યુનિવર્સિટી પોલીસે નીતિન ચાવડાને દબોચી લીધો હતો જ્યારે નીતિન ચૌહાણ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રવિરાજસિંહ જાડેજા પોતે ગઇ કાલે કંટ્રોલમાંથી કોલ આવતા અટલ સરોવર પાસે ઝઘડો થયો હોવાની બાતમીના જગ્યાએ ગયા હતા. જ્યાં આરોપી નીતિન ચૌહાણ પણ હતો.
ત્યાર બાદ પિસીઆરના ડ્રાઈવર ન્યારી ડેમ પાસે ગયા ત્યારે અગાઉ ઝઘડો કરતો શખ્સ નીતિન ચૌહાણ અને નીતિન ચાવડા ધોકા વડે તૂટી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથધરી છે.