- મધ્યપ્રદેશથી લવાયેલો વિદેશી દારૂ વાવડીથી ઝડપાયો
- સપ્લાયર અને જથ્થો મંગાવનારની ભાળ મેળવવા પોલીસની કવાયત
મધ્યપ્રદેશથી ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ ખાતે ડિલિવરી આપવા આવેલા પરપ્રાંતિય શખ્સને વાવડીથી દબોચી પીસીબીએ 200 બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. હાલ પીસીબીએ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે.
અમદાવાદ, સુરતની જેમ રાજકોટમાં પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ – પીસીબીને મજબૂતી મળ્યા બાદ પીસીબી બ્રાન્ચ સતત એક્શન મોડમાં છે. છેલ્લા પાંચેક દિવસમાં પીસીબીએ દેશી અને વિદેશી દારૂના એકાદ ડઝન કેસ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. દરમિયાન ગઈકાલે રાત્રે વધુ બે દરોડા પાડીને પીસીબીએ દારૂના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી દીધી છે. ગઈકાલે રાત્રે એકબાજુ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી 972 બોટલ દારૂ કબ્જે કરી દૂધસાગર રોડ પર રહેતા શખ્સ હનીફ મંધરાની ધરપકડ કરી હતી. બીજી બાજુ પીસીબીની ટીમે ગોંડલ ચોકડી નજીક વાવડી વિસ્તારમાં દરોડો પાડી ઇકોચાલકની ધરપકડ કરી હતી.
પીસીબી શાખામાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઇન્ચાર્જ પીઆઈ મેહુલ ગોંડલીયાના નેતૃત્વમાં પીએસઆઈ એમ જે હુણના માર્ગદર્શનમાં એએસઆઈ મયુરભાઈ, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકીને મળેલી બાતમીના આધારે પાર્થ ઓટો મોબાઈલ્સની બાજુની શેરીમાં એચડીએફસી બેંક – વાવડી બ્રાન્ચની સામેના રોડ પરથી ઇકો કાર ઝડપી લેવામાં આવી હતી.
ઇકો કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 750 એમએલની 12 બોટલ, 180 એમએલની 188 બોટલ મળી આવતા દારૂ, કાર સહીત કુલ રૂ. 3,28,640નો મુદ્દામાલ કબ્જે કરી ઇકોચાલક કમલસીંગ લચ્છુસીંગ સીંગાડ(ઉ.વ.30) રહે. ખેરમાલ, તા. રણાપુર, જી. જાંબુઆ, મધ્યપ્રદેશવાળાની ધરપકડ કરવામાં આવી છે.
હાલ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી કોણે મોકલ્યો અને રાજકોટ ખાતે કોણે મંગાવ્યો હતો તે દિશામાં પીસીબીએ તપાસ શરૂ કરી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઝડપાયેલા શખ્સના મોબાઈલમાંથી એક મોબાઈલ નંબર મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.