- મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓ હેઠળ ચાલતી તપાસ કરતી ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટનું મહત્વપૂર્ણ નિવેદન
પેટીએમ પેમેન્ટ્સ બેંક મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓ હેઠળ શંકાસ્પદ વ્યવહારોને શોધવા અને તેની જાણ કરવા માટે કોઈપણ આંતરિક મિકેનિઝમ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ અને તેની ચુકવણી સેવા પર યોગ્ય ધ્યાન રાખવામાં પણ નિષ્ફળ ગઈ. તેમ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ પોતાના આદેશમાં આ વાત કહી છે જેના દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
ફેડરલ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સએ તેના માર્ચ 1ના આદેશમાં જણાવ્યું હતું કે ચાર વર્ષથી વધુ તપાસ અને તેની સામે 14 ફેબ્રુઆરી, 2022ના રોજ કારણ બતાવો નોટિસ જારી કર્યા પછી બેંક સામેના આરોપો સાચા સાબિત થઈ રહ્યા છે. નાણા મંત્રાલયે એફઆઇયુંની કાર્યવાહી પર એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યા પછી, પેટીએમ પેમેન્ટ્સ બેંકના પ્રવક્તાએ કહ્યું હતું કે બે વર્ષ પહેલાં બંધ કરાયેલા બિઝનેસ સેગમેન્ટમાં સમસ્યાઓ સંબંધિત દંડનો સામનો કરી રહ્યા છીએ. આ સમયગાળા પછી, અમે અમારી મોનિટરિંગ સિસ્ટમ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને રિપોર્ટિંગ મિકેનિઝમ વધાર્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 29 ફેબ્રુઆરીથી ગ્રાહકો પાસેથી નવી થાપણો ન સ્વીકારવા નિર્દેશ આપ્યા બાદ પેટીએમ કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહી છે. જોકે, બાદમાં આ તારીખ લંબાવીને 15 માર્ચ કરવામાં આવી હતી. ત્યાંરબાદ વિજય શેખર શર્માએ પેટીએમના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું અને બેંકના બોર્ડની પુનઃરચના કરવામાં આવી. પીટીઆઈના જણાવ્યા અનુસાર, એફઆઈયુના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 2020 માં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલ અને બાદમાં હૈદરાબાદ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા “વિદેશી સિન્ડિકેટ હેઠળ બહુવિધ વ્યવસાયો દ્વારા કરવામાં આવતી વ્યાપક ગેરકાયદેસર પ્રવૃત્તિ” ના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પેટીએમ યુનિટ સામેની કાર્યવાહી કરવામાં આવી હતી. આઈપીસી હેઠળ અને તેલંગાણા રાજ્ય જુગાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.