જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ઝડપી કામગીરી : એક જ દિવસના તમામ તાલુકાઓમાં ચુકવણાની કામગીરી પૂર્ણ કરી દેવાય
જિલ્લામાં સ્થળાંતરીતોને ત્રણ દિવસથી લઈ એક દિવસ સુધી આશ્રય સ્થાને રખાયા હતા, સરકારે તાકીદે કેશ ડોલ્સની ગ્રાન્ટ પણ આપી દીધી
રાજકોટ જિલ્લામાં અંદાજે 10 હજાર અસરગ્રસ્તોને રોકડમાં કેશ ડોલ્સનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આ ઝડપી કામગીરી કરવામાં આવી છે.
સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વિનાશ વેર્યા બાદ ધીમા પડેલા બિપરજોય વાવાઝોડા પછી ગુજરાત સરકાર શું પગલાં લઇ રહી છે તે અંગે સરકારના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે અમે છેલ્લાં કેટલાંય દિવસોથી સાવચેતીના પગલાં લઇ રહ્યા છીએ. હવે જ્યારે વાવાઝોડું આગળ નીકળી ગયું છે ત્યારે અમારું સૌથી વધુ ફોકસ કેટલું નુકસાન થયું તેનો સર્વે કરાવવા ઉપર છે. આ કુદરતી હોનારતમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી તે અમારી સૌથી મોટી સિદ્ધિ છે, જુદી જુદી એજન્સીઓની મદદથી અમે લાખો લોકોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા. ઘણી જગ્યાએ ઝૂંપડા અને કાચા મકાનો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયા છે.
તદઉપરાંત સ્થળાંતરિત થયેલા લોકોએ માટે સરકારે કેશ ડોલ્સ આપવાની યોજના પણ જાહેર કરી છે. તદઅનુસાર પુખ્ત વયની વ્યક્તિને દિવસ દીઠ રૂ.100 અને બાળક દીઠ રૂ. 60 પાંચ દિવસ માટે આપવામાં આવશે. તે ઉપરાંત તેઓને ઘરવખરી માટે પણ કેશડોલ્સ આપવામાં આવશે. જેવી સ્થિતિ થાળે પડી જશે કે તરત જ તેઓને તેમના ઘરોમાં પાછા મોકલવામાં આવશે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં અંદાજે 10 હજાર જેટલા લોકો એવા હતા કે તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તે તમામને આજે એક જ દિવસમાં કેશ ડોલ્સની ચુકવણી કરી દેવામાં આવી છે. અસરગ્રસ્તો 3 દિવસથી લઈ એક દિવસ સુધી આશ્રય સ્થાને રહ્યા હતા. આ તમામ લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશડોલ્સનું ચુકવણું કરવામાં આવ્યું છે.