ભૂગર્ભ જળમાંથી પાણી ઉલેચતા પહેલા સો વાર વિચાર જો
ખેતી પ્રધાન દેશમાં ભુગર્ભ જળ વ્યવસ્થાપનની જરૂરીયાતને ધ્યાને લઈને અગાઉથી જ કાયદા બનાવાયા છે પરંતુ તેના અમલ પ્રત્યે ઉદાસીનતા સેવાતી રહે છે, હવે આ ક્ષેત્રમાં આકરા દંડની જોગવાઈથી જળ સંરક્ષણની પ્રવૃતિ વધુ વ્યાપક બનાવાશે
૨૧મી સદીના વિશ્વમાં પાણીનું મહત્વ દરેકને સમજયા સીવાય છુટકો નથી. ભલે વિશ્વમાં કુદરતી રીતે ત્રણ ભાગનું પાણી અને એક ભાગની જમીન હોય પરંતુ પીવા લાયક પાણી અને જીવન ઉપયોગી થાય તેવું જળનું પ્રમાણ ખુબજ મર્યાદિત છે. જ્યારે પાણી એક એવી વસ્તુ છે કે, તે પ્રકૃતિમાં નવસર્જન પામતુ નથી. હયાત પુરવઠો માત્ર પરાવર્તીત થતું રહે છે. એટલે વધતી જતી વસ્તી, ઔદ્યોગીક ક્રાંતિના વિકાસ વચ્ચે પાણીનો જથ્થો મર્યાદિત હોય તેને જાળવવો જરૂરી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ખેતી પ્રધાન અને ઔદ્યોગીક ક્ષેત્રે વિકાસ કરી રહેલા ભારતમાં પાણીનો વપરાશ દિવસે-દિવસે વધી રહ્યો હોય તે સ્વાભાવીક છે ત્યારે સરકારે ગંભીરપણે ભુગર્ભ જળના અનિયંત્રીત ઉપયોગ પર નિયંત્રણ લાવવા અને ભૂગર્ભ જળની જાળવણી માટે કાયદાકીય જોગવાઈઓને પુન: સ્થાપિત કરી જે વિસ્તારમાં ભુગર્ભ જળ ડુકી ગયા હોય ત્યાં પાણીના વપરાશ અને પાણી ઉલેચવા માટે ફરજિયાતપણે એનઓસી અને મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે.
શુક્રવારે કેન્દ્ર સરકારે ભૂગર્ભ જળ અંગેની જારી કરેલી માર્ગદર્શીકામાં ભૂગર્ભ જળના ઉપયોગના અતિરેક સામે નવા ઉદ્યોગોની મંજૂરી અને ખનન પરિયોજનાઓ પર ભુગર્ભ જળની અછત ધરાવતા વિસ્તારોમાં પરોક્ષ રીતે પ્રતિબંધ મુકીને ઔદ્યોગીક અને વ્યવસાયીક યોજનાઓ, હાઉસીંગ સોસાયટીઓને અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉલેચવા માટે ફરજિયાતપણે ના વાંધા, પ્રમાણપત્ર એટલે કે, એનઓસી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.
એનઓસીની આ નવી જોગવાઈમાં હવે ભુગર્ભ જળ ઉલેચવા માટે મંજૂરી અને નોંધણીની ફી ચૂકવવી પડશે જે જૂની જોગવાઈમાં નજીવા દર લંબસંબ રીતે ચૂકવવાની જોગવાઈ હતી. તેમાં હવે નિશ્ર્ચિતપણે દર નક્કી કરવામાં આવ્યા છે. આ નવી માર્ગદર્શીકા મુજબ સ્થાનિક ધોરણે ભુગર્ભ જળની પરિસ્થિતિને ધ્યાને લઈને ફરજિયાત બનાવવામાં આવેલી એનઓસી લેવામાં જો ચૂક થઈ જાય તો કસુરવાર સામે ૨ લાખથી લઈ રૂા.૧૦ લાખ સુધીની ઔદ્યોગીક અને ખનન પ્રોજેકટ માટેની જોગવાઈઓના રૂપમાં પર્યાવરણ સેસ તરીકે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડની એનઓસી ન લેવા બદલ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
રહેણાંક સોસાયટીઓને પણ ફરજિયાતપણે સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા પછી એનઓસી આપવામાં આવશે. જો આવી સોસાયટીઓની જરૂરીયાત પ્રતિદિનની ૨૦ ઘનમીટરની જરૂરીયાત હોય તો તેમની મંજૂરી પૂર્વે શૌચાલય, વાહનો ધોવા અને બગીચા માટે પુન: ઉપયોગમાં લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. જે સ્થાનિક પ્રશાસન રહેણાંક વસાહતોને પાણી પૂરું પાડવા અસમર્થ હોય તેમના માટે ભૂગર્ભ જળના ઉપયોગ માટે એનઓસી ફરજિયાત કરવામાં આવી છે અને આ એનઓસીની મર્યાદા ૫ વર્ષની રાખવામાં આવી છે.
નવી માર્ગદર્શીકાના અમલ મુજબ કોઈપણ પરિયોજનાઓ અને રહેણાંક વિસ્તારોને સમયમર્યાદામાં એનઓસી લેવાની રહેશે અને આ એનઓસી ઓનલાઈન મળી રહેશે. અત્યારે સમગ્ર દેશની ભુગર્ભ જળની પરિસ્થિતિ જોવા જઈએ તો ૬૮૮૧ ભુગર્ભ જળ વિસ્તારોમાંથી ૧૧૮૬ જેટલા વિસ્તારો અછતનો સામનો કરી રહ્યાં છીએ અને આવા વિસ્તારોમાં ભુગર્ભ જળની હયાતી અને આવકથી ઘટી જ મોટી માત્રામાં ભુગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે અને ત્યાં વાર્ષિક રીતે પાણીનું જળ સંચયનું પ્રમાણ જળવાતું ન હોય તેવા વિસ્તારોની સંખ્યા વધતી જાય છે. નવી માર્ગદર્શીકા મુજબ આ નિયમોની તાત્કાલીક અમલવારી માટેના દિશા નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. એનઓસી ઓનલાઈન આપી શકાશે. અત્યારે મોટાભાગના ભુગર્ભ સ્ત્રોતોમાં પાણી બેફામ રીતે ઉલેચાઈ રહ્યું છે. આવા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં બેફામપણે ભુગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જારી કરવામાં આવેલી આ માર્ગદર્શીકામાં કૃષિ ક્ષેત્રને ભુગર્ભ જળ ઉલેચવા માટે બાકાત રાખવામાં આવશે.
શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારોમાં ઘરેલું ઉપયોગમાં પાણી ઉલેચવા માટે આ કાયદો અમલમાં રહેશે. ઓછામાં ઓછા ૧૦ ઘન મીટર પ્રતિદિનના વપરાશને આ મંજૂરીની જરૂરીયાતમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. પર્યાવરણવિદ વિક્રમ તોગડે જણાવ્યું હતું કે, ભુગર્ભ જળનું સતતપણે ઉલેચાવું રોકવું જરૂરી છે. તોગડે એનજીટી સમક્ષ બેફામ ભુગર્ભ જળના ઉલેચવા સામે અદાલતમાં દાદ માગી હતી. તમામ પ્રકારના ઉદ્યોગો, ખનીજ ઉદ્યોગ અને આવાસ યોજનાઓને સલામતીથી સાવચેતીપૂર્વક ભુગર્ભ જળનો ઉપયોગ કરવાનો રહેશે અને કુલ ૬૮૮૧ ભુગર્ભ જળ વિસ્તારમાંથી ૧૧૮૬ એકમો એટલે કે, ૧૭ ટકામાં ભુગર્ભ જળની અછત પ્રવર્તી રહી છે. ૩૦૩ એકમોને વધુ વપરાશવાળા અને ૯૭૨ એકમોને ભયજનક એકમો ગણવામાં આવ્યા છે અને ૪૩૧૦ એકમોને સલામત માપદંડ ધરાવતા એકમો જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતમાં ભૂગર્ભ જળ સંશાધનો અને તેના રક્ષણ, સંરક્ષણ માટેની કાયદાકીય જોગવાઈઓ મોજુદ છે. અહીં ભુગર્ભ જળ જયાં ડુકી ગયા હોય ત્યાં નપાણીયા વિસ્તારોને ડાર્કઝોન જાહેર કરવામાં આવ્યા છે. આવા વિસ્તારોમાં ઔદ્યોગીક અને કૃષિ વપરાશ માટેના વિદ્યુત કનેકશનો આપવામાં આવતા નથી. ગુજરાતમાં અને અન્ય ભુગર્ભ જળ અછતગ્રસ્ત વિસ્તારોમાં ભુગર્ભ જળ સંચય અને વરસાદી પાણીના સંરક્ષણની વોટરસેડની કામગીરીઓ ચલાવવામાં આવે છે. ઔદ્યોગીક વસાહતોમાં સેવેઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જોગવાઈ છે જ પરંતુ આ જોગવાઈ અને વોટર રિસાઈકલીંગની પ્રક્રિયામાં જોઈએ તેટલું ધ્યાન આપવામાં આવતું નથી. સરકારે જારી કરેલી આ નવી માર્ગદર્શીકા મુજબ હવે કોઈપણ ઔદ્યોગીક કે વ્યવસાયીક અથવા તો રહેણાંક હેતુસભર બનાવવામાં આવેલા આવાસ યોજનાઓ દ્વારા ભુગર્ભ જળ અછતગ્રસ્ત વિસ્તારોમાં મંજૂરી વગર એક પણ ટીપુ ભુગર્ભ જળ ઉલેચી નહીં શકાય અને એનઓસી મેળવ્યા વગર જો ભુગર્ભ જળ ઉલેચવામાં આવશે તો કસુરવારને ૨ લાખથી ૧૦ લાખ સુધીનો દંડ કરવામાં આવશે. કેન્દ્રના આ નવા નિયમના સહારે ભુગર્ભ જળની કથળતી જતી સ્થિતિને કાબુમાં લેવા માટેના પ્રયાસોને પર્યાવરણવાદીઓએ આવકાર આપ્યો છે.
જળ સંરક્ષણ માટે નપાણીયા વિસ્તારોમાં એનઓસી ફરજિયાત
- ભુગર્ભ જળની જાળવણી માટે સરકારની નવી માર્ગદર્શીકામાં નવા ઉદ્યોગો માટે ફરજિયાતપણે એનઓસી લેવાની જોગવાઈ
- તમામ આવાસ યોજનાઓ, એપાર્ટમેન્ટ, હાઉસીંગ સોસાયટી કે જ્યાં ૨૦ ઘનમીટર પ્રતિદિનનો ભુગર્ભ જળ વપરાશ હોય તેમને ફરજિયાતપણે સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાદ જ એનઓસી મળશે.
- રહેણાંક વસાહતો કે જ્યાં સ્થાનિક ધોરણે પાણીની સપ્લાય કરવી અશકય હોય ત્યાં જ ભુગર્ભ જળ ઉલેચવા માટે એનઓસી આપવાની જોગવાઈ
- અછતગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ પરિસ્થિતિમાં ઉદ્યોગો અને વ્યવસાયીક એકમોને એનઓસી આપવામાં નહીં આવે
અસરગ્રસ્ત વિસ્તારોમાં દરેક પ્રોજેક્ટ માટે ફરજિયાત પણે ગંદા પાણી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અનિવાર્ય
ભુગર્ભ જળ અછતગ્રસ્ત વિસ્તારોમાં દરેક ઔદ્યોગીક એકમો અને રહેણાંક હેતુ માટે ચાલતી પરીયોજનાઓ માટે ફરજિયાતપણે ગંદા પાણી શુદ્ધિકરણ માટેનું સેવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનું રહેશે અને ફરજિયાતપણે એનઓસી મેળવ્યા બાદ જ ભુગર્ભ જળ ઉલેચી શકાશે.
ભૂર્ગભ જળ અસરગ્રસ્ત વિસ્તારમાં ડાર્કઝોનની જોગવાઇ અગાઉથી રહેલી છે
જળ સંચય, જળ સંરક્ષણ માટેની યોજનાઓ ચાલી જ રહી છે. ભુગર્ભ જળની અછતગ્રસ્ત વિસ્તારોને ડાર્કઝોનની વ્યાખ્યામાં મુકીને આવા વિસ્તારોમાં જ્યાં સુધી ભુગર્ભ જળની પરસ્થિતિ સંતોષજનક રીતે સુધરે નહીં ત્યાં સુધી ખેતી અને ઔદ્યોગીક ઉપયોગ માટેના વીજ કનેકશનો જ આપવામાં આવતા નથી. નવી જોગવાઈ મુજબ નિયમ ભંગ કરનારને ૨ લાખથી લઈ રૂા.૧૦ લાખ સુધીનો દંડ કરવામાં આવશે.
દેશમાં ભૂર્ગભ જળની કુલ વિરાસતમાં મોટાપાયે અછતના વાદળો
દેશમાં ભુગર્ભ જળની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથડતી જાય છે. અત્યારે કુલ ૬૮૮૧ ભુગર્ભ જળ એકમોમાંથી ૧૭ ટકા એટલે કે, ૧૧૮૬ એકમોમાં જળસ્તર ઘટી ગયા છે અને ૩૧૩ એકમોમાં આવકથી વધારે પાણીનો ઉપાડ થાય છે. ૯૭૨ એકમો ભયજનક પરિસ્થિતિની નજીક છે. માત્ર ૪૩૧૦ એકમો જ આવકના પ્રમાણમાં ઓછા ઉપાડ સાથે સલામત માનવામાં આવે છે.