• થોરાળા પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ કચેરી અને ગુજરાત જલ સંપતિ વિકાસ નિગમને ટાંચ જપ્તીની નોટિસ: 14 મિલકતો સીલ

મિલકત અને પાણી વેરો ભરપાઇ ન કરનાર આસામીઓ સામે ધોક્કા પછાડતા કોર્પોરેશનના તંત્રએ હવે બાકી વેરો વસૂલવા માટે સરકારી કચેરી સામે પણ લાલ આંખ કરી છે. આજે અલગ-અલગ ત્રણ સરકારી કચેરીઓને વેરો ભરવા માટે ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. 14 મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા છે. રૂ.1.16 કરોડની વસૂલાત થવા પામી છે.

ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે શહેરના વોર્ડ નં.15માં આજી ડેમ કેમ્પસમાં બેસતી ગુજરાત જલ સંપતિ વિકાસ નિગમની કચેરી, થોરાળા પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ અને પતજંલી પ્લે હાઉસને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.3માં ક્રિસ્ટ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા રૂ.25 લાખનો ચેક સ્થળ પર આપી દીધો હતો. આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત કસ્તૂરબા રોડ, રૈયા રોડ પર સદ્ગુરૂ તીર્થધામ, સુભાષ નગર, વોર્ડ નં.4માં કુવાડવા રોડ, મોરબી રોડ, વોર્ડ નં.7માં ઢેબર રોડ પર એસ.ટી. બસ પોર્ટ, વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રીંગ રોડ, વોર્ડ નં.13 લક્ષ્મીનગર મેઇન રોડ, ગોંડલ રોડ, વોર્ડ નં.14માં કુંભારવાડા સહિતના વિસ્તારોમાં 14 મિલકતો સીલ કરવામાં આવી છે અને 10 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.1.16 કરોડની રિક્વરી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.