“કસ્ટોડીયલ ડે એટલે પોલીસનો ‘મૃત્યુઘંટ’; મુળ તપાસ એક બાજુ રહે અને હવે પોલીસની મુળ તપાસમાં શું ખામી છે તેની જ તપાસ શરૂ થાય !”
તળાજા ફોજદાર જયદેવે બાથરૂમમાંથી આવીને ડોકટરને પુછયુ કે મને એવુ સંભળાયુ કે કોઈ નો ટેલીફોન હતો.આથી ડોકટર આર્યએ કહ્યુ હા સાહેબ જસદણ આટકોટથી કોઈ જમાદાર અને રાજકારણીનો ટેલીફોન હતો, તેઓ આપની જસદણ પોલીસ સ્ટેશનમાં નિમણુંક માટે સહમતિ માંગતા હતા આપને ઘણીવાર થઈ એટલે મેં કહી દિધુ કે હા સહમતિ જ છે સાહેબનું કુંટુબ રાજકોટ રહે છે તેથી ત્યાં બદલી થાય તો આ લોજના ટીફીન હવે બંધ થાય. જયદેવ આમ તો ખુશ થયો પણ સામે જસદણ પોલીસ સ્ટેશન પણ ભડકે બળતુ હતુ. ત્યાંના જંગવડ અને ઈશ્ર્વરીયા કાનપર ગામોએ જ્ઞાતિ આધારીત જટીલ અને વણ ઉકેલ્યા પ્રશ્ર્નો ઉભા જ હતા. તેથી આ તો ઉલમાંથી ચુલમાં પડવા જેવુ થવાનું હતુ. આથી તેણે ડોકટરને પુછયુ કે તેમના કોઈ ટેલીફોન નંબર લીધા છે ? આથી તેમણે કહ્યુ તે તો પુછવાનું રહી જ ગયુ. જયદેવને વિચાર આવ્યો કે સીઆઈડી આઈબી માં તો હવે બદલી થાય તેમ નથી કેમકે તે રીપોર્ટ તો પોલીસ વડાએ ફાઈલ જ કરી દીધો હતો. જેથી આ જસદણ માટે રાજકોટ ગ્રામ્ય જીલ્લાનો હુકમ થાય તો પછી ત્યાં જિલ્લાકક્ષાએ કાંઈક ફોડી લઈશુ તેમ નકકી કરી તે તળાજામાં દિવસો ટુંકા કરતો હતો.
દરમ્યાન તળાજા શહેરમાં જ એક પરણીતાએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યુ આથી તેને તળાજા સરકારી દવાખાને સારવારમાં દાખલ કરી અને પ્રાથમીક સારવાર દરમ્યાન જ મણોન્મુખ નિવેદન(ડી.ડી) નોંધાયા પહેલા જ મૃત્યુ પામી. તે સ્ત્રિ સામાન્ય શ્રમજીવી કુંટુબની હતી. તેને કોઈ સંતાન લાંબા સમયથી થતા ન હતા પણ તે સાસુ સસરાથી અલગ પણ તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. બનાવ ડીવાયએસપી વિજીટેશનનો બને. આ સ્ત્રિના પિયરીયા બહારગામથી આવ્યા અને મુળ કારણ જાણતા હોવા છતા સાથે આવેલા તેમના ગામના એક રાજકીય કાર્યકરના ચડાવવાથી તેના પતિનો ત્રાસ હતો તેમ કરી આત્મહત્યાનું દુષ્પ્રેરણ જણાવી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ ક. ૩૦૬ મુજબની ગંભીર ગુન્હાની ફરીયાદ લખાવી દીધી. આથી ડીવાયએસપીનું વિજીટેશન તો રદ થયુ પણ આ સંજોગોમાં પોલીસ સત્ય જાણતી હોવા છતા ફરીયાદીને કાંઈ સમજાવે તો પોલીસ ઉપર જ આક્ષેપો લગાવે. જયદેવે આડોશ-પાડોશમાં તટસ્થ લોકોથી તપાસ કરી તો પતિ પત્નિ વચ્ચે ખુબ પ્રેમ અને લાગણી હતી તથા બહુ સારૂ બનતુ હતુ પણ મરનારના પિયરીયા અને ખાસ તો સાથ આવેલા પેલા રાજકારણી કાર્યકરની ચઢામણીથી ગંભીર ગુન્હો દાખલ થઈ ગયો હતો. જયદેવ માટે પણ આ સ્ત્રિ અત્યાચારના ગુન્હામાં વિશેષ બીજુ કાંઈ વિચારવાનું જ ન હતુ. કેમ કે આરોપીનું તટસ્થ પણે મુલ્યાંકન કરી સત્ય ઉજાગર કરે તો તેની ઉપર જ માછલા ધોવાવા ના હતા. તેમ છતા તેના પતિનો તો જેલવાસ પાકકો જ હતો કેમ કે રાજકારણીઓ પાસે મહિલા આયોગ, લઘુમતી આયોગ વિગેરે અનેક સંસઓ સાચા કે ખોટા હથીયારો રૂપે ઉપયોગ કરવા માટે હતી જ આથી પોલીસ પણ આવા કિસ્સાઓમાં આરોપીઓને તેના નસીબ અને કોર્ટના નિર્ણય ઉપર જ છોડી દેતી હોય છે આ કિસ્સામાં પણ મૃત્યુનું દુ:ખ પિયરીયા કરતા તેના પતિને વધારે હતુ તેમ છતા તેને આમૃત્યુ માટે જવાબદાર ગણતા તે આરોપી તો બન્યો પણ તેથી વિશેષ તે દુ:ખી થયો.
સામાન્ય રીતે કેટલાક પોલીસ સ્ટેશનનો માં જે તે વિસ્તારમાં રહેતા નિરાધાર કે કામ ધંધા વગરની વ્યકિતનો હાથવાટકા તરીકે ઉપયોગ થતો હોય છે. આ વ્યકિત ફોજદારથી લઈ છેક કોન્સ્ટેબલ સુધીના જવાનોનું બજારમાંથી ચીજવસ્તુ લાવવા મુકવાનું નાનું મોટુ કામ અરે કેટલાક કિસ્સામાં તો સમસ વોરંટની અમલવારી પણ કરાવી લેતા હોય છે. તેના બદલામાં પોલીસ જવાનો તેને નાની મોટી મદદ કરતા હોય છે અને તે વ્યકિત તેનાથી તેનો ગુજારો કરી અને સમય પણ પસાર કરતી હોય છે. વળી આવો નિરાધાર પોલીસ દળ જેવા સક્ષમ ખાતા સાથે સંકળાયેલો હોય ગામમાં પ્રમાણમાં તેની કિંમત પણ વધી જતી હોય છે. આવા ઉદાહરણમાં જયદેવને મુળી થાણામાં નારીયો ઉર્ફે નર્મદાશંકર અને દામનગર થાણામાં નરસિંહ જોવા મળ્યા હતા. તળાજા થાણામાં પણ એક આવી વ્યકિત હતો પણ તે નગરપાલીકા વોટર વર્કસમાં કામ કરતો અને કુંટુબ કબીલા વાળો હતો અને હોમગાર્ડનો સભ્ય પણ હતો. વોટર વર્કસ થાણાની બાજુમાં જ આવેલુ હોય અને વધુમાં તે પોલીસ પ્રેમી હોય ફાજલ સમયે આ હકલો પોલીસ સ્ટેશને જ પડયો પાથર્યો રહેતો.
અગાઉના વર્ષોમાં ભાવનગર જિલ્લા લોકસભાની ચુંટણીમાં એક જ્ઞાતિના ઉમેદવારનું ચુંટણી પ્રતિક ખેતીનું ઓજાર “પાવડો” હતુ. આ પ્રતિક પાવડાનો તે સમયે ખાસ તો જ્ઞાતિ લેવલે એવો મોટો પ્રચાર થયેલો કે સંબંધિત જ્ઞાતિને જ તે સમયે લોકો પાવડો કહેવા લાગેલા. આ તળાજાના હકલો તે જ જ્ઞાતિનો હોય તે ચુંટણી સમયે આ જ્ઞાતિ અને પ્રતિક પાવડાની અસર અને રંગમાં આવી જતા તેણે વાણંદ પાસે જઈને માથાના વાળ એ રીતે કપાવેલા કે માથાના મુંડામાં પાવડાનું પ્રતિક દેખાય ! પછી તો લોકો જ આ હકલાને “પાવડા” તરીકે ઓળખવા લાગેલા.
સ્ત્રિ આત્મહત્યા દુષ્પ્રેરણનો જે ગુન્હો દાખલ થયો તે માટે આ પાવડો જયદેવને મળ્યો અને બનેલ બનાવની તમામ સત્ય અને વિગતે વાત કરી. તેણે કહ્યુ ” સાહેબ આખા ગામમાં તપાસ કરવી હોય ત્યાં કરી લો અને ખાત્રી કરો કે બંને પતિ પત્નિ વચ્ચે શેણી વિજાણંદ અને હિર-રાંઝા જેવો પ્રેમ હતો કે નહિ? તો પછી આ દુ:ખ કે ત્રાસ આપવાની વાત જ કયાં રહી ? પાવડો જયદેવને એક તટસ્થ અને ન્યાયીક અધિકારી તરીકે માનની દૃષ્ટિએ જોતો હતો. જયદેવને પણ પાવડાની વાત સાંભળી દુ:ખ થયુ છતા તેણે પાવડાને કહ્યુ નિયમો અને કાયદાને કારણે મારા હાથ બંધાયેલા છે મરનારના પિયરીયા આવુ લખાવે છે તેથી તેના પતિની ધરપકડ તો થશે પણ હું તને વચન આપુ છુ કે તેને જામીન મળી જાય તેટલી જોગવાઈ તો હું તપાસમાં રાખીશ જ. પાવડો આટલા વચનથી પણ ખુશ થઈ ગયો. કેમ કે જયદેવ કયારેય કોઈને વચન આપતો નહિ.
જયદેવે મરનાર સ્ત્રિના પિયરીયાના નિવેદનો તો ફરી યાદને લગતા મળતા તેમના લખાવ્યા મુજબના લખ્યા પણ તળાજામાં દંપતિના પડોશીઓ તેના સગાસંબંધીઓ, મિત્રો વિગેરેના નિવેદનો મુળ સ્વરૂપે એટલે કે બંને પતિ પત્નિ વચ્ચે અનહદ પ્રેમ હતો કોઈ ઝઘડો કંકાસ ન હતો, કોઈ મનદુ:ખ કે વાદવિવાદ પણ ન હતા તે પ્રમાણેના નોંધ્યા કે પતિ તરફથી કોઈ માનસીક કે શારીરિક ત્રાસ ન હતો પરંતુ લાંબા સમયથી તેમને ત્યાં બાળક થતુ નહિ હોય આ સ્ત્રિએ પોતે જ તે કારણે દુ:ખી થઈને જાતે આવુ પગલુ ભરી લીધેલુ. જો કે તેનો પતિ તેને સમજાવતો છતા માનસીક ઓછુ લાગતા આવુ આત્મહત્યાનું પગલુ ભરી લીધેલુ તે પ્રમાણેના નિવેદનો નોંધ્યા.
પ્રસ્થાપિત નિયમો અને રીત મુજબ મરનાર સ્ત્રિના પિયરીયાના નિવેદનો આરોપી પતિની ધરપકડ કરવા પુરતા પર્યાપ્ત હતા. તેથી જયદેવ આરોપીની ધરપકડ કરી કેસને પુરો કરી મુકી દેવા માંગતો હતો. આરોપીને પોલીસ સ્ટેશને આવી જવા કહેણ મોકલતા જ પાવડો જયદેવને મળ્યો અને કહ્યુ “સાહેબ આરોપી અતિશય માનસીક આધાતમાં છે જો બે ત્રણ દિવસ ધરપકડ ટાળો તો તે દરમ્યાન આરોપી સ્વસ્થ થઈ જાય. જયદેવને થયુ કે બે ત્રણ દિવસમાં શું ખાટુ મોળુ થઈ જાય છે. આનાથી કોઈ કાયદો અને વ્યવસ્થા તો ભાંગી પડવાની નથી. વળી આરોપી ગરીબ અને શ્રમજીવી હોય મોટી રકમ ખર્ચી ને કયાંય ઉચ્ચ અદાલતમાં જઈ આગોતરા જામીનની માંગણી કરી પોલીસનુ કામવધારે તેમ નથી તેથી ધરપકડમાં વિલંબ કર્યો.
દરમ્યાન મરનાર સ્ત્રિના પિયરીયાને કોઈએ આ સમાચાર ટેલીફોનથી પહોંચાડી દીધા.આથી તેના પીયર પક્ષના સભ્યો અને રાજકીય કાર્યકરોએ તે બાબત દેકારો બોલાવી પોલીસવડાને અરજી પણ આપી દીધી તેમજ સ્થાનીક વર્તમાનપત્રોમાં તેના સમાચારો પણ પ્રસિધ્ધ થઈ ગયા કે તળાજા પોલીસ આરોપીને છાવરે છે વિગેરે પોલીસ વડાએ જયદેવને ટેલીફોનથી જ કહ્યુ અરે યાર આવી બાબત તુરત પુરી કરી દઈ ઉપર ચઢાવી દેવાય લોકોને આક્ષેપોનો મોકો આપાય જ નહિ. જયદેવને કોઈ દલીલ કરવાનું વ્યાજબી લાગ્યુ નહિ. આથી પાવડાને કહેણ મોકલતા તેણે જયદેવ પાસે આવીને કહ્યુ સાહેબ મેં પણ છાપામાં વાંચ્યુ પરંતુ આ મરનારના પિયરીયા જ ના લાયક છે હું એક કલાકમાં જ આરોપી યુવાનને સમજાવીને રજુ કરૂ છુ તે છેતો ખુબ આધાત અને દુ:ખ ની પરિસ્થિતીમાં હું પોતે જ આરોપી સાથે સતત પોલીસ સ્ટેશનમાં હાજર રહીશ તેથી તેને માનસીક આધાર રહેશે.
પાવડો આરોપીને લઈ આવ્યો. જયદેવે આરોપીને આશ્ર્વાસન, સાંત્વન આપીને કહ્યુ કે તને એકાદ બે દિવસમાં જ જામીન મળી જશે અને તેથી ધરપકડ કરી અટક રજીસ્ટરમાં નોંધ કરી ઘટતી કાર્યવાહી ફોટો ફિંગ ફિંગર વિગેરેની કાર્યવાહી પુરી કરી. જયદેવે બંનેને ચા પાણી પાયા, પાવડાએ જયદેવને કહ્યુ સાહેબ આ આરોપી મારા સગાભાઈ જેવો છે, તમે મંજુરી આપો તો હું તેનું ટીફીન મારા ઘેરી લઈ આવુ. જયદેવે કહ્યુ ભલે મંગાવી લે પણ પાવડાને એમ કે જમવાનું ટાણુ થયુ છે તો હું પણ જમતો આવુ અને ટીફીન પણ લેતો આવુ તેમ નકકી કરી તેના ઘેર ગયો.
આરોપી પી.એસ.ઓ. ના ટેબલ પાસે બેઠો હતો અડધા એક કલાકે પાવડો ટીફીન લઈને આવી ગયો અને આરોપીને ટીફીન જમી લેવા માટે કહ્યુ પરંતુ ઉંડા વિચાર કે આધાતમાં ગરકાવ આરોપીએ તે સાંભળ્યુ નહિ. પાવડાએ બાવડુ ઝાલીને તેને હલાવ્યો અને થોડુ જમી લેવા કહ્યુ આથી આરોપી રડવા લાગ્યો અને કહ્યુ હવે અહિં જમવાનું શું કામ છે ? હવે જો મૃત્યુ આવે તો અમે બંને માણસ ભેગા મળીને ઉપર ભગવાનના દરબારમાં સાથે જ જમીશું!
પાવડો થોડી થોડી વારે સમજાવીને જમવાનો આગ્રહ કરતો હતો ત્યાં એકાદ કલાકે આરોપી બેભાન થઈ ગયો. જયદેવને ખબર પડતા જ તે પણ અર્ધ માનસીક બેભાન અવસ્થામાં આવી ગયો, કસ્ટડીયલ ડેથ એટલે પોલીસનો મૃત્યુઘંટ કેમ કે તે પછી બધી બાબત નિી આત્મહત્યા, આત્મહત્યા દુષ્પ્રેરણનો આરોપી વિરૂધ્ધનો કેસ વિગેરે તો એક બાજુ પડયા રહે અને સ્થાનીક પોલીસ સમગ્રતયા તથા ગુન્હાના ઓંછાયામાં આવી જાય. ખાતુ તો સૌપ્રથમ તેમની પોલીસની જ ખામીઓ, ત્રુટીઓ શોધવા માંડે કે આત્મહત્યા કેસ માં શું શું બાકી રહી ગયુ ? જે તે સમયે કેમ ન કર્યુ ? બાકી કેમ રાખ્યુ, આત્મહત્યા દુષ્પ્રેરણનાં કેસમાં પડોશીઓ વિગેરેના નકારાત્મક નિવેદનો કેમ નોંધ્યા ? નોંધ્યા તો ધરપકડ કરવાની કઈ જરૂરત હતી ? વિગેરે કલ્પના પણ ન કરી હોય તેવા મુદાઓ શોધી, ખામી ત્રુટીઓ રૂપે તપાસો શરૂ થઈ જાય અને હવે મુળ પ્રકરણની તપાસ કરનાર ને આત્મહત્યાનું દુષ્પ્રેરણ થાય તેવા સંજોગો ઉભા થવા માંડે. જયદેવના મત પ્રમાણે ખાતાને આવુ કરવાનું કારણએ હોઈ શકે કે સંભવિત આવી પડનારા આંદોલનો, વિવિધ આયોગોની તપાસો, રજુઆતો વિગેરેની પળો જણોમાંથી તાત્કાલીક છુટી નીકળવાનો જે તે અધિકારીઓનો પ્રયાસ કે ઈચ્છા કે દૃઢ મનોબળની ખામી હોઈ શકે.
આવા કસ્ટડીયલ ડેથ એટલે કે પોલીસ કબ્જામાં આરોપીના મૃત્યુની તપાસ તાત્કાલીક તો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સોંપાય જે મેજીસ્ટ્રેટ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે ડેપ્યુટી કલેકટર રેન્કના હોય તે સંભાળી તેની વિગતે તપાસ કરે, બારી કાઈથી તટસ્થ પણે તપાસ કર્યા બાદ જો જણાય કે ગુન્હાઈત કૃત્ય થયુ છે તો પોલીસ વિરૂધ્ધ અથવા જે તે ગુનેગારો વિરૂધ્ધ એફ.આઈ.આર નોંધાય. આ તપાસ મેજીસ્ટ્રેરીયલ ઈન્કવાયરી કહેવાતી.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર પોલીસદળ ઉપર નિશાન તાકીને આક્ષેપો થવા લાગતા ભારતની સુપ્રિમ કોર્ટે આવા કસ્ટડીયલ ડેથની તપાસ જે તે જયુરીડીકશનની અદાલતો ને જ કરવા હુકમ કરી દીધો છે આવી તપાસને જયુડીશીયલ ઈન્કવાયરી કહેવાય છે.
બેભાન થયેલા સ્ત્રિ આત્મહત્યા દુષ્પ્રેરણના આરોપીને જયદેવે તાત્કાલીક તળાજા સરકારી દવાખાને સારવારમાં દાખલ કરી દીધો અને ઉચ્ચ અધિકારીઓને તે બાબતથી વાકેફ પણ કરી દીધા પણ ઉચ્ચ અધિકારીઓ તો આરોપીનું મૃત્ય ન થાય ત્યાં સુધી આવે નહિ. બીજીબાજૂ આરોપીને અટક કર્યાના ચોવિસ કલાક પુરા થતા હતા તેથી કાયદા મુજબ તેને જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવો જ પડે. જયદેવ મુઝાયો કે આ બેભાન આરોપીને કઈ રીતે કોર્ટેમાં રજુ કરવો. પરંતુ જયદેવે બનેલ ઘટનાનો વિગત વારનો લેખીત રીપોર્ટ કે જેમાં સમગ્ર ઘટના આરોપીને અટક કર્યો અને બેભાન થઈ હોસ્પીટલાઈઝ થયો ત્યાં સુધીની જણાવી અને રીપોર્ટ જજ સમક્ષ રજુ કર્યો. તળાજા જજે પણ રીપોર્ટ વાંચીને કહ્યું તમે પણ ચિત્ર વિચિત્ર કિસ્સાઓ લાવો છો, હવે જયારે આરોપી ભાન માં આવે ત્યારે અમારી સમક્ષ રજુ કરજો.
તળાજા શહેર અને પોલીસબેડામાં સન્નાટો હતો કે ફોજદાર જયદેવ માંડવાળીના મુન્ના આત્મહત્યાના કેસમાં તો સાંગોપાંગ નીકળી ગયા પણ આ કિસ્સામાં સલવાઈ જવાના છે કેમ કે આરોપી પોલીસ લોકઅપમાં જ હતો કાંઈક તો ત્રુટી નીકળશે જ. બીજી બાજુ બેભાન થયેલ આરોપીના કુંટુબીજનોમાં પોલીસ વિરૂધ્ધ છુપી ચણભણ થવા લાગી હતી પરંતુ તે સામે પાવડો અડીખમ હતો તેણે તમામને કહ્યુ કે ફોજદાર સાહેબે કડવુ વેણ પણ કહ્યુ નથી આતો આધાતમાં બેભાન થઈ ગયો તેમાં પોલીસ શું કરે ? વળી ફોજદાર સાહેબે તો ધરપકડની ઉતાવળ પણ કરેલ ન હતી આતો આપણી નાતવાળા વેવાઈ પક્ષે ખોટી રીતે બદલાની ભાવનાથી ફરીયાદથી લઈ ધરપકડ વિલંબમાં પણ છેક પોલીસ વડાને રજુઆત કરી હતી તેમ કહી તમામને ઠંડા પાડી દીધા. બેભાન આરોપી ત્રણેક દિવસ ભાનમાં નહિ આવતા તેને સર.ટી. હોસ્પિટલ ભાવનગર રીફર કરી દાખલ કર્યો, ત્યાં પણ આરોપી ભાનમાં આવતો ન હતો. જયદેવને મનમાં થયુ કે નોકરીના પોણાભાગ પછી આવી રહેલુ પ્રમ પ્રમોશન હવે આ સંભવીત ઈન્કવાયરીને કારણે લટકી પડવાનું.
પોલીસવડા પણ હવે જયદેવના વિચાર સાથે સહમત થયા હતા કે ખરી વાત છે નોકરીના ત્રણ તબકકા, પ્રોબેશન પ્રમોશન અને પેન્શનના સમયે ખાસ ધ્યાન રાખવુ પડે કે તે સમયે એકઝીકયુટીવ ફરજમાં જો કર્મચારી હોય તો આવુ બને અને ઘણી મુશ્કેલી ઉભી થાય. તેથી તેમને જયદેવે અગાઉ સીઆઈડી. આઈબીમાં બદલી માટે મોકલેલો રીપોર્ટ પોતે ફાઈલ કરેલો અને ફોરવર્ડ નહિ કરેલો તેનું દુ:ખ થયુ.
પરંતુ સદ્નસીબે આરોપી સાતમે દિવસે ભાનમાં આવ્યો તેથી બીજા તો ખુશ થયા હશે જ પણ જયદેવને પણ થયુ કે હાશ ઈન્કવાયરીમાંથી છુટયો. આરોપીને હોસ્પિટલમાંથી રજા આપતા તેને સીધો જ તળાજા કોર્ટમાં જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી જયદેવ તેની જવાબદારીમાંથી છુટયો જયદેવે પાવડાને શાબાશી આપી કે તે ખરેખર આરોપીના કુંટુબ અને નાત ને સાચી હકીકત સમજાવી બીજી કોઈ બબાલ થતી અટકાવી.
સતત એકવિસ વર્ષની યુધ્ધ જેવી એકઝીકયુટીવ જોખમી ફરજ અને તણાવપુર્ણ ફરજથી જયદેવ “ગળે આવી ગયો હતો હવે લશ્કર બેરેકમાં પાછુ જવા ઈચ્છતુ હતુ. વિદેશોમાં ખાસ આ પ્રકારની નોકરીમાં કર્મચારી અધિકારીઓને તેની વ્યકિતગત શારીરિક તંદુરસ્તી અને માનસીક શાંતિ થાય તો તેની કાર્યદક્ષતામાં વધારો થાય તે હેતુથી અમુક સમયે પ્રમાણમાં શાંતિવાળી જગ્યાએ બદલવામાં આવે છે.
જયદેવ ખાસ તો આટલા લાંબા ગાળા પછી આવનાર પ્રમોશન વગર કારણે ઘોંચમાં ન પડે તે માટે કોઈ બ્રાંચમાં બદલી થાય તેમ ઈચ્છતો હતો જેથી પ્રમોશન અંગે કોઈ ચિંતા નહિ પણ જયદેવનું પેલી કહેવત જેવુ હતુ કે “વો દિન કહાં કી મીંયા કે પાવ મેં જુતી !”