ગુરૂ પુજન, વંદન, પુજા અને ગુગલ ફોર્મનું લોન્ચીંગ
ઢેબર રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ખાતે સવારે ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાએલ. પ્રારંભમાં ધૂન સંકીર્તન ઉદ્ધાટન નૃત્ય થયા. ગુરુણામ ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ પાદુકાનું તુલસીદલ, પુષ્ય પાંખડી તથા અક્ષતથી ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પૂજન વંદન કરેલ.
ગુણાતીતાનંદ સ્વામી તથા ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજનું હાર, ચંદન, કંઠી, જનોઈ, વસ્ત્ર,માળા, ગ્રંથ વગેરે દવારા શ્રીલક્ષ્મીનારાયણ સ્વામી, શ્રી ઘનશ્યામ સ્વામી, વગેરે સંતોએ પૂજન કરેલ. વડિલ સંતોનું પૂજન સુરત, મુંબઇ, રાજકોટ તથા અમદાવાદના ભક્તોએ પુષ્પહા ર, શ્રીફળ અર્પી પૂજન કરેલ.
મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ ગુરુ પરંપરાનો જ્ઞાન વારસો તથા વૈરાગ્ય ભાવની વાતો કરી ભક્તોને રસ તરબોળ કરેલ.
ગુરુકુલના 75 વર્ષ ઉપક્રમે યોજાનાર અમૃત મહોત્સવ 22થી 26 ડિસેમ્બર દરમ્યાન યોજાશે. તેમાં વિધિધ પ્રકલ્પો યોજાશે. દેશ વિદેશથી પધારનાર સંતો હરિભકતોની સુવિધાર્થે ” અમૃત સેવક ” સ્વયં સેવકો મહિલા તથા પુરુષોની નોંધણી કરવા માટે ગૂગલ ફોર્મ લોન્ચ કરવામાં આવેલ .
ધર્મવલ્લભદાસજી સ્વામીના ’ભગવત ભક્તિ’ વક્તવ્ય બાદ વડોદરા, ભાવનગર, મોરબી, જુનાગઢ, તરવડા, અમરેલી, ઉના, સુરેન્દ્રનગર, જામનગર ,હિંમતનગર તથા કચ્છ વિસ્તારના ભક્તોએ ગુરૂપૂજન કરેલ . અમૃત મહોત્સવના આયોજનની રૂપરેખા મધ્યસ્થ કાર્યાલયના કાર્યકર્તા સંતોએ આપેલ. અંતમાં ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના એલઇડી પર આશીર્વાદ વચનોનું શ્રવણ કરેલ. યુવાનો તથા બાળકોના ગુરૂભક્તિ રૂપક તથા વિવિધ નૃત્ય રજૂ કરેલ.