- તિર્થ સ્થાનમાં કરેલુ પુન્ય મહાપુન્ય છે અને તિર્થ સ્થાનમાં કરેલુ પાપ મહાપાપ તરીકે ફળ આપે છે
સિધ્ધ ક્ષેત્ર-પાવાગઢ
સને 1988-89ની સાલમાં હું ગોધરા રેલવે પોલીસ સ્ટેશનનો ફોજદાર હતો જુના પંચમહાલ જિલ્લાની હદ વિસ્તાર ઘણો વિશાળ હતો તેવી રીતે ગોધરા રેલવે પોલીસનું જયુરીડીકશન પણ ઘણું લાંબુ હતુ ગોધરાથી વડોદરા તરફ ચાંપાનેર જંકશન સુધી, ચાંપાનેરથી છોટા ઉદેપુર નેરોગેજ લાઈન, ગોધરાથી લુણવાડા નેરોગેજ લાઈન તથા ગોધરાથી આણંદના ડેરોલ સુધી બ્રોડગેજ લાઈન, તેમજ ગોધરાથી દાહોદ થઈ રતલામના નહારગઢ સુધીની હદ હતી તે પ્રમાણે કામગીરી પણ ખૂબ રહેતી.
ગોધરા નિમણુંક થયે ત્રણ ચાર મહિના થઈ ગયા હતા પણ ચાંપાનેર-પાવાગઢ જવાનો સમય મળતો નહતો કેમકે ત્યાં નેરોગેજમાં કામ પણ શું હોય ? ડીસ્ટાફના જમાદાર પૂંજાભાઈ તથા કોન્સ્ટેબલ ચંદુભાઈ વારંવાર કહેતા હતા કે સાહેબ પાવાગઢ એક વખત તો દર્શન કરી આવીએ. પરંતુ અગત્યની કામગીરી ને કારણે જવાનો મેળ પડતો નહતો. એક દિવસ બંને પોલીસ વાળા મારા એક ખાનગી (પબ્લીક) ડી સ્ટાફના કોલેજીયન મુસ્તાક શેખ જે હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં અધિકારી છે જે તે વખતે એક રેલવે કર્મચારીનો પુત્ર હતો તેને મારી પાસે લઈને આવ્યા મુસ્તાક પણ એજ વાત કરી કે સાહેબ ગોધરામાંતો કામ ખુટશે જ નહીં. આથી એક દિવસ જીપ લઈને કાલોલ હાલોલ થઈ પાવાગઢ આવ્યા. ડુંગર ઉપર માચી સુધી તો જીપ લઈને ચડી ગયા પછી પગથીયા ચડવાના હતા કેમકે ત્યારે રોપવે હતો નહીં.
માચીથી પગથિયા ચડવાના શરૂ કર્યા, પહાડી કુદરતી સૌદર્ય, વિશાળ ઉંડી ખીણો, પથ્થરના ઉંચા ઉંચા શિખરો જોતા જોતા અને ચારેય જણા અલક મલકની વાતો કરતા અને મોજ મજા કરતા પાવાગઢ ડુંગર ચડી રહ્યા હતા. દુધિયું તળાવ, કોઠાર વિગેરે જોતા જોતા ફરી ચઢાણ આવ્યું અને પગથિયા ચડવા લાગ્યા.
પર્વત ઉપર પગથિયા થોડીવાર ડાબી બાજુ થોડીવાર જમણી બાજુ વળાંક લેતા જતા હતા એક જગ્યા એ કાટખૂણો બનીને વળાંક આવતો હતો ત્યાજ ખૂણા ઉપર એક બેલા પથ્થરનો છાપરા વગરનો ઓરડો હતો જેને બારણા ન હતા. તેમજ બારીઓને દરવાજા ન હતા જેના બાંકોરા ત્રણે દિવાલોમાં હતા આ ઓરડાના બારણા વગરના દરવાજા પાસે એક 40-45 વર્ષનો લાલ ગોઠણ સુધીની ધોતી અને ઉઘાડા શરીર વાળો સાધુ જેવો માણસ ઉભો હતો તે હાથને અદબ મારી પગની આંટી દઈ ચારે બાજુ નીરીક્ષણ કરી રહેલ હોય તેમ નીર્લેપ ભાવે, અહેતુક ઉભા હોય તેમ લાગતુ હતુ કેમકે તેમણે અમે આવ્યા તેની કાંઈ ખાસ નોંધ લીધી નહોય તેમ લાગ્યું અમે ત્યાં પહોચ્યા પણ તેમણે અમારી સામે કોઈ પ્રતિભાવ આપ્યો નહી અને કુદરતનું નિરીક્ષણ કરતા હોય તેમ લાગ્યું મને લાગ્યું કે આ વિતરાગી કે વૈરાગી વ્યકિત લાગે છે. લોકોની અવરજવર લગભગ હતી નહી આથી મને થયું કે સાધુંને કાંઈક આપું તેથી મેં ખીચામાંથી દસ રૂપીયાની નોટ કાઢી આપતા તેમણે હંસીને ના પાડી કહ્યું ‘મેં યંહા કુછ માંગને કે લીએ નહી ખડા હું!’ અને રૂપીયાને અડયા નહી મેં તેમને પુછયું કે તો તમે અહિં તડકામાં કેમ ઉભા છો? તેમણે કહ્યું ‘જનતા જનાર્દન કે દર્શન કરને કે લીએ !’ મેં ખૂબ આગ્રહ કર્યો પણ તેમણે રૂપિયા લીધા જ નહીં, જેથી મેં ઓરડાની બારી ઉપર રૂપિયા મૂકી દીધા અને મહાદેવ હર બોલીને અમે રવાના થયા. આ સાધુની રૂપિયા નહીં લેવાની હરકતથી મારી સાથેના ત્રણેય જણાને ખૂબ નવાઈ લાગી અને ચર્ચા કરવા લાગ્યા કે સાધુ પણ કેવી કેવી ખોપરીના હોય છે નહી?
અમે પગથિયા ચડતા ચડતા તેલિયા તળાવ થઈ ને ડુંગરની ટોચ ઉપર મહાકાળી માતાજીના મંદિરમાં આવ્યા માતાજીના દર્શન શ્રધ્ધા અને આસ્થાથી કરી, પ્રસાદ લઈ અગાસીમાંથી ડુંગરની નીચે ચાંપાનેર તથા આજુબાજુનાં જંગલના દ્રશ્યોનું અવલોકન કર્યુ થોડીવાર બેસીને પર્વત ઉતરવાનું ચાલુ કર્યું વચ્ચે તેલિયું તળાવ આવતા થોડીવાર ત્યાં બેસી આરામ કરી ફરી ડુંગર ઉતરવાનું ચાલુ કર્યું.
વળતા ફરી પેલી જગ્યા પગથિયા વચ્ચે વળાંક ઉપરની છાપરા વગરની ઓરડી આવી. પેલા લાલ ટુંકી ધોતી વાળા સાધુ હજુ ઉભા જ હતા. પરંતુ આ વખતે તેમના હાથમાં એક પડીકું હતુ. અમે જેવા તે ઓરડી પાસેથી પસાર થયા ત્યાં તેમણે મને કહ્યું ‘લો ભગત યે પ્રસાદ ખાસ આપ કે લીયે હૈ.’ મગર ઈસે યાંહી ખોલને કા નહી પહાડકે નીચે જા કર ખોલના! ’ મેં શ્રધ્ધા અને જીજ્ઞાસાથી તે પડીકું લઈ લીધું અને અમે ચારેય જણા પગથિયા ઉતરવા લાગ્યા અમે પંદર કે વિસ પગથિયા નીચે ઉતર્યા હોઈશુ અને મારા બંને પોલીસ વાળા ચંદુ અને પુંજાભાઈની ધીરજ ખૂટી અને કહ્યું સાહેબ પડીકું ખોલોને અંદર શાનો પ્રસાદ છે. તે જોઈએ તો ખરા? ભલે લઈશુ નીચે જઈને ! આથી મે કહ્યું સાધુએ આપણને નીચે ઉતરીને જ ખોલવાનું કહ્યું છે તો કાંઈક તેનું રહસ્ય હશે. જો ખોલીશુ તો પછી મજા નહી આવે પરંતુ ત્રણ જણાની ઈન્તજારી ખુટી ગઈ હતી. અને જાણવા જોવાની આતુરતા વધી ગઈ હતી તેથી કરગરીને વિનંતી કરવા લાગ્યા આથી મેં આ પડીકું જ બંને પોલીસ જવાનોને આપી દીધું બંને જણાએ આતુરતાથી પ્રથમ કોથળી પછી પડીકુ તેમાં બીજુ પડીકું એમ ખોલતા તેમાંથી અચંબો પામી જવાય તેવો પ્રસાદ નીકળી પડયો ? પણ તે પ્રસાદ આરોગવાનો નહતો પણ દિવ્ય, શુભ અને ચમત્કારીક વસ્તુઓ રૂપે હતો જે વસ્તુઓનો ઉપયોગ પવિત્ર દિવ્ય અને મંત્ર-તંત્ર અને ઈચ્છા પૂર્તી કરે તેવી કહેવાતી ચીજ વસ્તુઓ હતી.
ત્રણ વસ્તુઓમાં એક દક્ષિણવર્તી શંખ જેને દેશી ભાષામાં જમણેરી શંખ કહેવાય તે હતો, મને પણ તે જોઈને સુખદ આશ્ર્ચર્ય થયું એમ કહેવાય છે કે જમણેરી શંખ દુર્લભ હોય છે. અને શંખ માતા લક્ષ્મીજીનો ભાઈ ગણાય છે. બીજી બે વસ્તુઓમાં એક હાથજોડી હતી. અને બીજી શિયાળશીંગી હતી. જેનો ઉપયોગ મંત્ર-તંત્રમાં થતો હોવાનું કહેવાય છે.
આ જોઈને ખાસ તો જમાદાર પુંજાભાઈ અને ચંદુભાઈ વધારે આશ્ર્ચર્ય ચકિત થઈ ગયા કેમકે તે જમાનામાં રેલવે પોલીસ અને મુસાફરી કરતા સાધુઓનો સંપર્ક વધારે રહેતા રેલવે પોલીસ આવી વાતો વધારે જાણતી હોઈ તે બંનેને આ વસ્તુઓ મેળવવાની ઈચ્છા થઈ તેથી તે બંનેએ પાછા પેલી છાપરા વગરની ઓરડી તરફ દોટ મૂકી હું તથા મુસ્તાક પણ તેમની પાછળ પાછળ ઓરડી વાળી જગ્યાએ જવા પગથિયા ચડવા લાગ્યા.
ત્યાં જઈને જોયું તો પેલા ટુંકી ધોતી વાળા સાધુ હતા નહી તેથી જમાદાર પૂંજાભાઈ અને ચંદુભાઈએ તેની આજુબાજુમાં ગોતાગોત ચાલુ કરી દીધી ! ઉપર જતા તથા નીચે જતા પગથિયા સ્પષ્ટ પણે દેખાતા હતા. તેના ઉપર તો કયાંય આ સાધુ દેખાતા નહતા જોકે નીચેથી તો અમે જ આવ્યા કોઈ સામે મળ્યું નહતુ.ઓરડીની એક દિશામાં ઉંડી ખીણ હતી ત્યાં તે બાજુ જવાનો કોઈ ચાન્સ જ ન હતો જેથી એક દિશામાં જમીન જેવું હતુ ત્યાં બંને જમાદારો દોડાદોડી કરી દૂર છેક જંગલમાં પણ શોધખોળ કરી આવ્યા ! આમેય પોલીસને તો શોધખોળ અને ગોતવાની સારી પ્રેકટીસ હોય છે. પરંતુ ત્યાં કોઈ વ્યકિત હોય તો મળેને ? અડધો એક કલાક રઝળપાટ કરી પરસેવે રેબઝેબ થઈને બંને પાછા આવ્યા. બંને જણા નારાજ થઈ ગયા હતા અને અફસોસ કરવા લાગ્યા અને કહ્યું કે સાહેબ આવી શું ખબર? સાધૂને અમે પણ રૂપીયા આપેત ને શું? મેં કહ્યું મામુલી થોડા રૂપિયાને કારણે આવી કિંમતી દૂર્લભ વસ્તુઓ મળે નહીં પરંતુ તેનો યોગ હોયતોમળે! બંને જણા ખૂબ અફસોસ કરીને નારાજ થતા મેં તેમને કહ્યું ચિંતા ન કરો, તો આ વસ્તુઓની આપણે વહેંચણી કરી લઈએ. મેં પૂંજાભાઈ જમાદારને શિયાળ શિંગી આપી અને ચંદુભાઈને હાથાજોડી આપી અને મેં મારા માટે દક્ષિણાર્વી શંખ રાખ્યો, આમ છતા બંને જણા અફસોસ કરતા હતા કે પાંચ મીનીટમાં આ સાધૂ ગૂમ થઈ ગયા હશે? કયાં ગયા હશે? ઉપર નીચે પગથીયે તો નથી ગયા તેતો નકકી છે. પરંતુ જે એક દિશામાં જવાય તે જગ્યાએ અમે બંને ખૂબ ઝડપથી દોડીને જોઈ આવ્યા પણ ત્યાં કોઈ માણસ જ નહતુ ! મેં કહ્યું સાધુ જે જગ્યાએ ગયા ત્યાં જવાંની હજુ આપણી લાયકાત નથી થઈ! આજની યાત્રાનું આપણને આટલુ ફળ મળ્યું તેનાથી સંતોષમાનો. જો કે તે સિવાય કોઈ છૂટકો પણ નહતો!
શાસ્ત્રોમાં તેથી જ કહ્યું છે કે ‘સિધ્ધ તિર્થે કૃતં પૂણ્યંમ મહા પૂણ્યમ; તિર્થ ક્ષેત્રે કૃતમ્ પાપમ્ મહાપાપમ્ ॥’ તે રીતે શાસ્ત્રોમાં કહેલી વાતો સત્ય જ હોય છે.