સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો: ભક્તો માતાજીના ઓનલાઈન દર્શન કરી શકશે
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ યાત્રાધામ પાવાગઢ 8 મે તેમજ આશાપુરા માતાજીનું મંદિર ભૂજ 5 મે સુધી બંધ રહેશે. કોરોનાની મહામારીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાની ચેઈન તોડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રશાસને 12 થી 28 એપ્રીલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને હવે માતાનો મઢ પણ 5 મે સુધી બંધ રહેશે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે અને ભયજનક રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે 29 શહેરોમાં નાઈટ કરફયુ 5 મે સુધી લંબાવવામાં આવ્યું છે. તેમજ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઉભી કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મહાનગરોમાં ગોઠવી દેવાયો છે. સાથો સાથ એસઆરપી જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે હવે લોકડાઉન કરતા પણ કડક પગલા લેવાનો આદેશ ગૃહ વિભાગ અને સીએમ દ્વારા કરવામાં આવ્યો છે.
કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ હવે મંદિર સંસ્થાનો દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે ત્યારે પાવાગઢ મંદિર આગામી તા.8 મે સુધી એટલે કે, હજુ વધુ 10 દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે તેમજ ભુજમાં આવેલ આશાપુરા માતાજીનું મંદિર માતાનો મઢ પણ સરકારની સુચના મુજબ આગામી 5 મે સુધી બંધ રહેશે. જો કે, મંદિર ટ્રસ્ટ દ્વારા એ પણ નિર્ણય કરાયો છે કે, દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી શકે તે માટે ભક્તોને લાઈવ દર્શનથકી માતાજીની આરાધના કરવા અપીલ કરવામાં આવી છે. જેથી હવે દર્શનાર્થીઓ ઘરબેઠા જ માતાજીના દર્શન કરી શકશે અને આરાધના પણ થઈ શકશે.
આ નિર્ણય લેતા જ જે મુખ્ય હાઈવે છે ત્યાં રસ્તા પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સંક્રમણ અટકાવવા હજુ 10 દિવસ મંદિરના દ્વાર નહીં ખુલે. ત્યારબાદ સ્થિતિનો તાગ જાણી ટ્રસ્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે.