એન્યુઅલ મેન્ટેનન્સ માટે રોપ-વે સેવા બંધ કરાઈ: 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા ભક્તો માટે શરૂ થઇ જશે
આજથી 5 દિવસ સુધી પાવાગઢની રોપ-વે સેવા યાત્રિકો માટે બંધ રહેશે. આવતીકાલ તારીખ 16થી 21 જાન્યુઆરી સુધી પાવાગઢની રોપ-વે સેવા બંધ રહેશે. પાવાગઢ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પગપાળા મંદિરે પહોંચવું પડશે. જણાવી દઇએ કે, એન્યુઅલ મેન્ટેનન્સ માટે પાવાગઢની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે જે અંગેની ઉષા બ્રેકોએ જાહેરાત કરી છે. જોકે 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા ભક્તો માટે શરૂ થઇ જશે.
અત્રે નોંધનીય છે કે, યાત્રાધામ પાવાગઢમાં મકરસંક્રાતિના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. 2 લાખથી વધુ ભક્તોએ પાવાગઢના દર્શન કર્યા હતા. ભક્તિભાવથી મહાકાળી માંનું ધામ પાવાગઢ ઝૂમી ઉઠ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ પાવાગઢની રોપ-વે સેવાને સુસવાટાભર્યા પવનના કારણે બે દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યાં છે. એવામાં પવનની તેજ ગતિના કારણે તાજેતરમાં જ રોપ-વે સેવાને 2 દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત પાવાગઢની રોપ-વે સેવાને એન્યુઅલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવી છે.