Pavagadh : નવરાત્રીના પાવન દિવસોમાં યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે પંચમહાલમાં પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. ત્યારે નવરાત્રીના પાંચમાં નોરતે દેશભરમાંથી માઈભક્તો પવાગઢ મંદિરે આવી રહ્યા હતા. મંદિરે વહેલી સવારે માતાજીના પ્રથમ દર્શન માટે ભાવિકો મોડી રાતથી જ લાઈન લગાવીને ઉભા રહ્યા હતા.
પાવાગઢ મંદિરમાં માનવ મહેરામણ
મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તોએ માતાજીનો જયકાર બોલાવ્યો હતો. દેશના ખૂણે-ખૂણેથી આવેલા દર્શનાર્થીઓએ મહાકાળી માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ મહત્વનું એ છે કે, નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શન કરવા અતિશુભ માનવામાં આવે છે. ત્યારે પાવાગઢ મંદિરે નવરાત્રીના પ્રારંભથી જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.
પ્રસાદ વિતરણમાં પણ ખાસ દેખરેખ
પાવાગઢમાં માઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આ સાથે નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારથી ભક્તીની ભારે ભીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયા હતા. ત્યારે નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું હતું. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી હતી અને દરરોજ 3 પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ-રાત થઈ રહી છે.