ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જૈન અગ્રણીઓની વચ્ચે ગાંધીનગરના કોબા ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગરસુરી મહારાજની નિશ્રામાં બેઠક યોજાઈ: જવાબદાર લોકો સામે પગલાં લેવાં એફઆઇઆર પણ કરવાની સૂચના તેમજ પોલિસ તપાસ શરૂ થઈ ગઈ હોવાનું બેઠકમાં જણાવાયુ
પાવાગઢ ખાતે જૈન તીર્થંકારોની સાત મૂર્તિઓ તોડી પડાયાના મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જૈન અગ્રણીઓની વચ્ચે ગાંધીનગરના કોબા ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગરસુરી મહારાજની નિશ્રામાં યોજાયેલી બેઠકમાં જૈન આગેવાનોની તમામ માંગણીનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો હતો. રવિવારે પાવાગઢ તીર્થ ખાતે જૈન તીર્થંકર ભગવાનની સાત મૂર્તિઓ તોડી પડાયા પછી જૈન સમાજમાં આક્રોશ વ્યાપી ગયો હતો. રાજ્યભરમાં જૈનોએ ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. સુરતમા પંન્યાસ જિન પ્રેમ વિજયજી મહારાજ, કેસી મહારાજ સહિત સેંકડો સાધુ ભગવંતો તથા જૈન શ્રાવકો એ આંદોલનની દોર સંભાળી હતી. વડોદરામાં પણ આચાર્ય વિરાગ ચંદ્ર સાગરસુરી મહારાજ તથા સંજય મુનિની નિશ્રામાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેના પગલે રાજ્ય સરકાર સક્રિય બની હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બનાવની ગંભીરતા લઈને જૈન સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ તાત્કાલિક ભગવાનની પ્રતિમાજીઓનું પુન: સ્થાપન શરૂ કરાવ્યું હતું.દરમિયાનમાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગર સુરી તથા આચાર્ય અજયસાગરસુરી મહારાજની નિશ્રામાં ખૂબ જ સુંદર વાતાવરણમાં બેઠક થઇ હતી. જેમાં હર્ષ સંઘવીની સૂચનાથી ભગવાનની મૂર્તિ સ્થાપનનું કાર્ય તથા રીપેરીંગ કામ શરૂ કરાવવા બદલ જૈનાચાર્યોએ આશીર્વાદ આપ્યા હતાં. જવાબદાર લોકો સામે પગલાં લેવાં એફઆઇઆર પણ કરવાની સૂચના આપી છે અને પોલિસ તપાસ શરૂ થઈ ગઈ હોવાનું બેઠકમાં જણાવ્યુ હતુ. આ સિવાય મૂર્તિઓની સાર સંભાળ માટે ત્યાંના તંત્ર સાથે સંકલન કરવાની વાત પણ કરી હતી. બીજા પણ પ્રશ્નો સકારાત્મક રીતે ઉકેલ લાવવાની હર્ષ સંઘવીએ ખાત્રી આપી હતી.દરમિયાનમાં સુરત ખાતે પંન્યાસ જિનપ્રેમવિજયજી મહારાજે કોઈ ને પણ તકલીફ ન પડે અને સરકાર સકારાત્મકતા થી કામ કરે ત્યાં સુધી શાંતિથી ટોકન પ્રદર્શન ચાલુ રાખવાની હિમાયત કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથેની મીટિંગમાં આણંદજી કલ્યાણજી પેઢીના શેઠ સંવેગભાઈ, શ્રીપાલભાઈ, કલ્પેશભાઈ, અભયભાઈ, કિરણ જૈન, કરુણાલભાઈ, સમસ્ત મહાજનના ગિરિશભાઈ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.