ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજ રોજ પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું. તેમાં તેમણે આગામી ચૂંટણીના પ્રચાર વિશે જણાવ્યું હતું.
સી આર પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘બળવો કરનાર નેતા જો ફોર્મ પાછું નહીં ખેંચે તો તેને સસ્પેન્ડ કરાશે.વધુમાં ઉમેરતા તેમણે ભાજપમાં શિસ્તમાં ન રહેતા નેતાઓ સામે લાલ આંખ કરીને જણાવ્યું હતું કે જે શિસ્તમાં નહીં રહે તેની સામે કાર્યવાહી થશે. ભાજપના પ્રચાર અંગે સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે ભાજપ સાથે રાજ્યના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. કેન્દ્રમાંથી નેતાઓ આવીને 46 જેટલી બેઠકો પર પ્રચાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રવિવારે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
આગામી રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ એક જ દિવસમાં અલગ-અલગ ચાર સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે અને સુરેન્દ્રનગરમાં વિશાળ રોડ-શો કરશે. 21મી નવેમ્બરે પીએમ દક્ષિણ ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ચૂંટણી સભાઓ ગજવશે. બે તબક્કાના મતદાનમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન ત્રણ વખત ગુજરાતની મૂલાકાતે આવશે અને સાત દિવસનું રોકાણ કરશે.