- પ્રદેશ પ્રમુખપદેથી વિદાય પૂર્વ સી.આર. પાટીલ દ્વારા ‘ફેરવેલ’ પાર્ટી અપાય રહ્યાની ચર્ચા: સંગઠનના હોદેદારો માટે ગાંધીનગરમાં મહાભોજનું આયોજન કરાય તેવી સંભાવના
ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષપદેથી સી.આર. પાટીલ આગામી દિવસોમાં વિદાય લઇ રહ્યા છે. ગુજરાતમાં સંગઠનના વડા તરીકે તેઓની કામગીરી સર્વોત્તમ રહી છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં જળ શકિત મંત્રાલયના મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટીલ દ્વારા આવતીકાલે બુધવારે ગુજરાતના લોકસભાના અને રાજયસભાના સાંસદો ઉપરાંત ધારાસભ્યો, મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો માટે દિલ્હી ખાતે ડિનર પાર્ટીનું આયોજન કર્યુ છે. સંગઠનના તમામ હોદેદારોને નોતરા મોકલવામાં આવ્યા નથી. સંગઠનના હોદેદારો દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે મહાભોજનનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે સી.આર. પાટીલની ત્રણ વર્ષની મુદત ઘણા સમયથી પૂર્ણ થઇ ગઇ છે. લોકસભાની ચુંટણીના કારણે તેઓને યથાવત રાખવામાં આવ્યા હતા. ગત મેં માસમાં કેન્દ્રમાં નવી એમડીએ સરકારનું ગઠબંધન થઇ ગયું છે. જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને જળ શકિત મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. હાલ તેઓ બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષની જવાબદારીમાંથી મુકત કરવા તેઓ બે થી ત્રણ વાર ભાજપ હાઇ કમાન્ડને વિનંતી કરી ચૂકયા છે. કમુરતા ઉતરતાની સાથે જ અથાંત ઉતરાયણ બાદ ગમે ત્યારે ભાજપ દ્વારા ગુજરાતના નવા સુકાનીના નામની જાહેરાત કરવામાં આપી શકે છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીટ મંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતના રાજયસભાના સાંસદો, લોકસભાના સાંસદો, ગુજરાત વિધાનસભાના સભ્યો અર્થાત ધારાસભ્યો માટે આવતીકાલે બુધવારે રાત્રે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના ટોચના નેતાઓ પણ સામેલ થશે.
આવતીકાલે બુધવારે ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યોની કેબિનેટ બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. દરમિયાન આગામી ગુરુવારે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીની શપથ વિધી યોજાવાની હોય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દિલ્હીથી બુધવારે રાત્રે જ સિઘ્ધા મુંબઇ પહોંચી થશે. તાજેતરમાં સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર ખાતે ભાજપની એક કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સી.આર. પાટીલે ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને આગામી 4 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેઓના સરકારી નિવાસ સ્થાન ખાતે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામને સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આજે જ કેટલાક ધારાસભ્યો દિલ્હી જવા માટે રવાના થઇ ગયા છે. મંત્રી મંડળના સભ્યો આવતી કાલે કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ એક સાથે દિલ્હી જશે આ માત્ર શુભેચ્છા પાર્ટી છે. સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નવા બંગલામાં શિફટ થયા હોય આ બંગલો જોવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
સી.આર. પાટીલ દ્વારા ડિનર પાર્ટીમાં સાંસદ અને ધારાસભ્યોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. સંગઠનમાંથી માત્ર ત્રણ મહામંત્રીને નોતરા આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદેદારો માટે ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવશે તેનું મનાય રહ્યું છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે સી.આર. પાટીલની મુદત ખુબ જ શાનદાર રહી છે. તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભાજપને સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં ભાજપ 156 બેઠકો પર વિજેતા બન્યું હતું. જે અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. પોતાની પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરીથી પાટીલ સંપૂર્ણ પણે સંતુષ્ટ છે.