ધારાસભ્યોની બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી મંડળની કાચી યાદી તૈયાર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમીત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ  જે.પી. નડ્ડા સમક્ષ રજુ કરશે

અબતક, રાજકોટ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આગામી સોમવારે ભુપેન્દ્રભાઇ પટેલ સતત બીજી વખત શપથ ગ્રહણ કરશે આજે સવારે કમલમ ખાતે મળેલી ભાજપના 156 ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે સર્વાનુમતે ભુપેન્દ્રભાઇની વરણી કરવામાં આવી હતી. દરમિયાન આજે સાંજે ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની જોડી દિલ્હી દરબારમાં જશે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાને મળશે. જેમાં ગુજરાતનું નવું મંત્રી મંડળ રચવા માટે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવશે.

ગુજરાતમાં ઐતિહાસિક વિજય મળતા ભાજપ દ્વારા નવી સરકાર રચવા માટેનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આજે સવારે કમલમ ખાતે મળેલી ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા બીજા શબ્દોમાં કહેવામાં આવે તો રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ફરી એક વાર ભુપેન્દ્રભાઇ પટેલના નામ પર સર્વાનુમતે મંજુરીની મહોર મારવામાં આવી હતી. ત્યારબાદ ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પાર્લામેન્ટરી બોર્ડ અને કોર કમીટીના સભ્યો સાથે રાષ્ટ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, યેદિયુરપ્પા અને અર્જુન મૂંડાએ એક બેઠક યોજી હતી. જેમાં નવા મંત્રી મંડળ માટેની એક કાચી યાદી તૈયાર કરવામાં આવી હતી. સાથો સાથે સંભવીતોના નામનું  પણ લીસ્ટ બનાવવામાં આવ્યું હતું.

આજે બપોરે પટેલ અને પાટીલની જોડી દિલ્હી દરબારમાં જશે.તેઓ આજે વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષને મળશે. જેમાં ગુજરાતમાં નવુ મંત્રીમંડળ બનાવવા માટે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં મંત્રીમંડળ ફાઇનલ કરી દેવામાં આવે અને આવતીકાલે ધારાસભ્યોને જાણ કરી ત્યાંમાં આવશે કે આપનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

પૂર્ણ કદનું હશે ગુજરાત સરકારનું મંત્રી મંડળ !

વધુમાં વધુ 27 ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય તેમ હોય પૂર્ણ કદનું મંત્રી મંડળ બનાવવા કવાયત: ચારેય ઝોનને આવરી લેવાશે: અનુભવીઓ અને યૂવા ચહેરાનો સમન્વય જોવા મળશે: મહિલાઓને વધુ પ્રાધાન્ય અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે. 156 બેઠકો પર જીત સાથે આગામી સોમવારે સતત સાતમી વખત રાજ્યમાં ભાજપની સરકાર બનશે. નવું મંત્રી મંડળ રચવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્યની બેઠકમાં દળના નેતાની નિયુક્તિ કરાયા બાદ કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મંત્રી મંડળ બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

વિધાનસભાની બેઠકના 15 ટકા સુધી મંત્રી મંડળ બનાવી શકાય તેવો નિયમ છે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 15 ટકા મુજબ રાજ્યના મંત્રી મંડળમાં વધુમાં વધુ 27 ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય છે. આ વખતે મંત્રી મંડળ પૂર્ણ કદનું અર્થાત્ 27 સભ્યોનું રહે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ભાજપના 156 ધારાસભ્યો પૈકી 63 ધારાસભ્યો ફરી વખત ચૂંટાયને આવ્યા છે. મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે 50 થી વધુ મજબૂત દાવેદારો છે. જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી, રાઘવજીભાઇ પટેલ, અમિતભાઇ પી. શાહ, યોગેશ પટેલ, જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, ડો.દર્શિતાબેન શાહ, રીવાબા જાડેજા, કાંતિભાઇ અમૃતીયા, કિરીટસિંહ રાણા, સંજયભાઇ કોરડીયા, શંભુ પ્રસાદ ટુંડિયા, કૌશિકભાઇ વેકરીયા, ભગાભાઇ બારડ, હિરાભાઇ સોલંકી, પુરૂષોત્તમભાઇ સોલંકી, રમણલાલ વોરા, શંકરભાઇ ચૌધરી, પી.સી.બરંડા, બચુભાઇ ખાબડ, લવીંગજી ઠાકોર, કુબેર ડિંડોરા, ભાવેશ કટારા, હાર્દિક પટેલ અને અલ્પેશભાઇ ઠાકોર સહિત 50 થી વધુ ધારાસભ્યોના નામો હાલ ચર્ચામાં છે.

પૂર્ણ કદનું મંત્રી મંડળ રચવામાં આવે તો પણ આ વખતે ભાજપનાં 129 ધારાસભ્યો મંત્રી પદથી વંચિત રહેશે. મંત્રી પદ માટે લાયક હોવા છતાં જેઓનો સમાવેશ કોઇ કારણોસર કરી શકાયો ન હોય તેઓને સંસદીય સચિવ બનાવી દેવામાં આવશે.

આ વખતે મંત્રી મંડળમાં સ્થાન પામનારા તમામ ધારાસભ્યોએ 100 ટકા પર્ફોમન્સ આપવું પડશે. નબળુ પ્રદર્શન કરનારને ગમે ત્યારે ખુરશી પરથી ઉઠાવી દેવાના નિર્ણય લેવામાં હાઇકમાન્ડ કોઇ વિસ્તૃત વિચાર કરશે નહીં. ટકોરા મારી મારીને મંત્રીઓની પસંદગી કરવામાં આવશે અને ધારાસભ્યોને તેઓની આવડત અને અનુભવના આધારે ખાતાની ફાળવણી કરવામાં આવશે.

સોમવારે બપોરે શપથવિધી સમારોહ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રથમ કેબીનેટ બેઠક મળશે. જેમાં કેબીનેટ, રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો સંભાળનારા મંત્રીઓને તેઓના વિભાગની ફાળવણી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.