એચઆઇવીગ્રસ્તો સર્ગર્ભાઓ અને ડાયાબીટીસ પીડિતોની વિશેષ તપાસ કરાશે
કરજણ અને શિનોર તાલુકાઓને ક્ષયરોગમુક્ત (ટીબી ફ્રી) તાલુકાઓ બનાવાશે
દેશમાં દર એક લાખની વસતિએ ક્ષયનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા ૨૭૦ જેટલી છે
ભારત સરકારના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા સન ૨૦૨૫ સુધીમાં ક્ષયરોગ (ટીબી) મુક્ત ભારતનું અભિયાન ઉપાડ્યું છે. તેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં સન ૨૦૧૯ સુધીમાં જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાઓને ક્ષયરોગમુક્ત-ટીબી ફ્રી તાલુકાઓનો દરજ્જો અપાવવા રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે.
તેની સાથે જિલ્લામાં ક્ષયરોગનું પ્રમાણ અને દર્દીઓની સંખ્યા નિર્ધારીત કરવા ક્ષયરોગ નિયંત્રણ વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ ક્ષયરોગીઓનું સર્વેક્ષણ હાથ ધર્યું છે. જિલ્લા ક્ષયરોગ નિયંત્રણ અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, એચઆઇવીગ્રસ્તો, સગર્ભાઓ અને ડાયાબીટીસ પીડિતો ક્ષયના ચેપનો ઝડપથી ભોગ બને છે એટલે સર્વેમાં તેમના પર વધુ ધ્યાન આપીને, જિલ્લાના બે તાલુકાઓમાં તમામ નાગરિકોનો અને ૦૬ તાલુકાઓમાં હાઇરીસ્ક ગ્રુપના લોકોનો સર્વે કરવામાં આવશે.
ક્ષયરોગના પ્રવર્તન દરની વાત કરીએ તો દેશમાં દર એક લાખની વસતિએ ૨૭૦ જેટલા ક્ષયરોગીઓ હોવાની સંભાવના છે. વડોદરા વિભાગના જિલ્લાઓમાં આ દર રાષ્ટ્રીય સરરાશથી સહેજ ઊંચો છે એટલે ક્ષયનો ચેપ ધરાવતા લોકોની ઓળખ કરીને, સઘન સારવાર દ્વારા રોગમુક્તિ અને ચેપની અટકાયતની વ્યૂહરચના હાથ ધરવામાં આવી છે એમ ડૉ. ચૌહાણે જણાવ્યું છે.
ડૉ. ચૌહાણના જણાવ્યા પ્રમાણે કરજણ અને શિનોર તાલુકાઓને ટીબીમુક્ત બનાવવાના હોવાથી આ તાલુકાઓમાં પ્રત્યેક વ્યક્તિને સર્વે હેઠળ આવરી લેવામાં આવશે. જ્યારે બાકીના ૦૬ તાલુકાઓમાં હાઇરીસ્ક ગ્રુપના લોકો અને તેમની સાથે સંપર્કમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટીબીના ચેપનો ઝડપથી ભોગ બનતા હોવાથી એચઆઇવીગ્રસ્તો, કુપોષિતો, વ્યસની લોકો, સર્ગભાઓ, ડાયાબીટીસના રોગીઓ તેમજ ટીબીના રોગીઓ સાથે જેમનો જીવંત સંપર્ક છે તેવા લોકોને હાઇરીસ્ક ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. કરજણ અને શિનોર તાલુકાઓને ટીબીમુક્ત બનાવવા ક્ષયરોગ વિભાગના તબીબો અને આરોગ્યકર્મીઓ ઉપરાંત બહુહેતુક આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની મદદ લેવામાં આવશે. ડૉ. ચૌહાણે આ સર્વે માટે ઘર મુલાકાત પ્રસંગે સર્વેક્ષણકારોને સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો છે.
એક મહિનો ચાલનારા આ સર્વે દરમિયાન ટીબીના લક્ષણો જણાય એવા વ્યક્તિઓની આરોગ્ય કેન્દ્રોમાં સઘન તપાસ અને પરિક્ષણો કરવામાં આવશે અને ટીબી લાગુ પડ્યો હોય તો સારવાર ચાલુ કરી દેવાશે. આમ, આયોજનબદ્ધ રીતે ટીબીના દર્દીઓને સારવાર હેઠળ લાવીને ટીબીનો ચેપ ઘટાડવાનું જિલ્લા તંત્રે આયોજન કર્યું છે.