દર્દીઓ ૧૦૮ની મદદથી સારવાર માટે સરળતાથી હોસ્પિટલ પહોંચી શકે પણ પરત ઘરે જવાની કોઈ સગવડ ન મળતા અહીં – તહીં ભટક્યા કરે છે
કોરોના કોવિડ ૧૯ ના પગલે દેશભરમાં લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી તો શકે છે પરંતુ સારવાર બાદ સાજા થયા પછી પરત ઘરે જવા માટે કોઈ પેસેન્જર વાહનની સગવડ ન થતા દર્દીઓ સાથે તેમના સબંધીઓને પણ આમ તેમ ભટકવું પડે છે.
કોરોના કોવિડ ૧૯ વાયરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા દેશને લોક ડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજકોટમાં પણ કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૫૦૦ થી ૩૦૦૦ ની ઓપીડી દર્દીઓ સૌરાષ્ટ્રભરમાંથી સારવાર માટે આવતા હોય છે. પરંતુ લોક ડાઉનના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડી અડધો દિવસ જ ચાલુ રાખવામાં આવી છે. અને કોઈ મોટી બીમારી અથવા ઇમરજન્સી સિવાય હોસ્પિટલ ના આવવાં માટે વિનંતી કરવામાં આવી હતી.
પરંતુ શહેરમાં લોક ડાઉન થતા પેસેન્જર વાહનોની અવરજવર પર પણ પ્રતિબન્ધ લાદવામાં આવ્યો છે. જેના કારણે કોઈ પણ સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ સંપૂર્ણ સાજા થયા બાદ તેઓને ઘરે જવા માટે કોઈ પણ પરિવહનના સાધનો મળતા નથી. જેનાથી દર્દીઓ અને તેની સાથે ના સબંધીઓને પરત ઘરે જવા માટે રખડવું ભટકવું પડે છે. કોઈ પણ રીક્ષા, વાહન કે ટેક્ષી પણ ન મળતા લોકો દર્દીઓ સાથે ચાલીને ઘરે જવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેમના વ્હારે તંત્ર દ્વારા કોઈ સુવિધાઓ કરી આપવામાં આવે તેવી માંગ સર્જાઈ રહી છે.
સૌરાષ્ટ્રભરના જિલ્લાઓ અને શહેરના હજારો દર્દીઓ સારવાર લીધા બાદ પરિવહન માટે રઝળતા જોવા મળી રહ્યા છે. પેસેન્જર વાહનો બન્ધ થઈ જતા દરદીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ઘણા દર્દીઓના સબંધીઓ દ્વારા પોલીસ અને ૧૦૮ માં ફોન કરીને મદદ માગ્યા હોવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે લોકો દ્વારા સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સારવાર પુરી કરીને પરત ઘરે જવા માટે કોઈ સગવડ પ્રાપ્ત થાય તેવી માંગ ઉઠી રહી છે. પરિવહન અટકી જતા શહેરમાં રહેતા લોકલ દર્દીઓ પણ ઘર સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દર્દીઓને પરત ઘરે જવા માટે ફાયર સ્ટાફની એમ્બ્યુલન્સ કાર્યરત : બી.જે. ઠેબા ?
કોરોના કોવિડ ૧૯ ના પગલે લોક ડાઉન બાદ કોઈ પણ પરિવહન માટે વાહનો ના મળતા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પરત ઘરે જવા માટે હાલાકી ભોગવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા ફાયર સ્ટાફની ૧૪/૧૫ જેટલી એમ્બ્યુલન્સ ને કાર્યરત કરવામાં આવી છે. અગાઉ આ સેવા રાજ્યભરમાં કાર્યરત હોય પરંતુ લોક ડાઉનને પગલે શહેરમાં કોઈ પેસેન્જર વાહન ન મળતા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સબંધીઓને પરત ઘરે જવામાં મુશ્કેલીઓ ના થાય તે માટે રૂ.૧૦ ના નોમીનલ ભાડા સાથે તેઓને શહેરના કોઈ પણ ખૂણે સુધી સેવા આપવામાં આવશે. આ માટે કોઈ પણ દર્દી અથવા દર્દીના સબંધીએ ૧૦૧ માં ફોન કરી બુકીંગ કરવાની રહેશે. જ્યાંથી એમ્બ્યુલન્સ કોઈ પણ હોસ્પિટલ આવી દર્દીને તેમના નિવસ્થાન પર પહોંચાડી શકશે.