ગુજરાતના એક સમયના પ્રખર અને લડાયક પત્રકાર અને હવે રાજકારણમાં પ્રવેશીને ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી માટે જગ્યા બનાવવાની ભેખ ઉપાડનાર ઇશુદાન ગઢવીએ આજે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં મિડિયા જગત સાથે ખાસ સંવાદ હાથ ધર્યો હતો. અને આમ આદમી પાર્ટી ક્યાં પ્રકારનું રાજકારણ અને નીતીઓ લઇને નીકળી છે ત્યાંથી માંડીને ગુજરાતના વિકાસ માટેના ‘આપ’ના વિચારો અને વર્તમાન શાસકો વિશેના એમના મંતવ્ય સુધીના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એમણે એક પાકટ રાજકારણીની અદ્દાથી સવાલોના જવાબ આપવાના પ્રયાસ કર્યા હતાં.
જ્ઞાતિ આધારીત નહીં, સક્ષમતાના આધારે આમ આદમી પાર્ટી ચાલશે
પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી ધર્મની લડાઇ લડવા નિકળ્યા
એક સમયના મીડીયા મેન અને મીડીયા જગત વચ્ચે ખેલદિલીભર્યો સંવાદ
ઘણા બધા સવાલોના ગુગલીનો સામનો કરવાને બદલે એમણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું પણ ટાળ્યુ હતું અને ટૂંક સમયમાં રાજકારણની એબીસીડીથી વાકેફ થઇ હોવાનું સંકેત આપ્યો હતો. ઇસુદાન ગઢવીએ જે કેટલીક મહત્વની વાત કરી હતી એમાં સૌથી વધુ ઉલ્લેખનીય મુદો જ્ઞાતિલક્ષી રાજકારણ અંગેનો રહ્યો હતો. આગામી વિધાનસભા ચુંટણીઓ બાદ જો આપને સફળતા મળે તો મુખ્યમંત્રી કંઇ જ્ઞાતિનો હશે એવા અબતક દૈનિકના સવાલરૂપી ગૂગલીના જવાબમાં ઇસુદાન ગઢવીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માટે જ્ઞાતિ નહીં સક્ષમ અને સારી વ્યક્તિ રાજકારણમાં આવે અને આગળ વધે એ વાતનું વધારે મહત્વ છે. આમ આદમી પાર્ટી મતે છે કે મુખ્યમંત્રી બનવા માટે કે બનાવવા માટે વ્યક્તિની જ્ઞાતિ નહીં ક્ષમતા જોવાનું જરૂરી રહે છે. એટલે અમે સારી વ્યક્તિઓ અમારી પાર્ટીમાં આવે અને આગળ વધે એ દિશામાં આગળ જઇ રહ્યાં છીએ.
તેમણે કહ્યું હતું કે અમારા માટે પદ કે પ્રતિષ્ઠાનું મહત્વ નથી લોકો માટે કામ કરવું એ માટે વિચારીને હું પત્રકારિત્વ છોડીને લોકહિત ખાતર રાજકારણમાં આવ્યો છું. એક પત્રકારમાંથી હવે રાજકારણી બનેલા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હું ધર્મની લડાઇ લડવા માટે આગળ આવ્યો છું.
પ્રશ્ન : જ્ઞાતિ પરિબળ આમ આદમીને કેટલું અસર કરે છે ?
ઇસુદાન : લોકશાહીમાં જ્ઞાતિનું સમીકરણ યોગ્ય ન ગણાય. સારા માણસો પક્ષમાં જોડાઇ અને આગળ વધે તે જોવાની આપની નીતી છે. પાટીદારનો કે કોઇ જ્ઞાતિનો મુખ્યમંત્રી હોવો જોઇએ એ વિચારધારા કરતા સક્ષમ વ્યક્તિ પક્ષમાં આગળ આવે એ જોવાનું આમ આદમી પાર્ટી પસંદ કરે છે.
આ રીત ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રી પદ માટેની આપની નીતી દીવા જેવી સ્પષ્ટ કરી દીધી હતી અને જ્ઞાતિવાદી સમીકરણનો છેદ ઉડી જાય એ રીતે એમણે આપની નીતી અને વ્યૂહરચનાનો ખ્યાલ આપી દીધો હતો.
પ્રશ્ન : વર્તમાન ગુજરાત સરકારની કામગીરી વિશે શું કહો છો ?
ઇસુદાન : ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના કાળમાં લોકો ખૂબ જ હેરાન થયાં છે. સ્વાર્થી અને ગુંડાગીરીના રાજકારણને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે. રાજ્યમાં કમળની લોકપ્રિયતા હતી નહીં પણ લોકો પાસે કોઇ વિકલ્પ ન હતો. ઇસુદાને સ્પષ્ટ કહ્યું હતું કે કમળ ઓલરેડી કરમાઇ ચૂક્યુ છે લોકો તેનાથી છૂટકારો મેળવવા માંગે છે.
ઇસુદાનનું કહેવાનું તાત્પર્ય એ હતું કે વર્તમાન સરકારે કોઇ સારી કામગીરી કરી જ નથી. ઇસુદાનના જવાબ પરથી એવો સંકેત મળ્યો હતો કે ગુજરાતમાં વર્તમાન સરકારે લોકોના કોઇ કામ કર્યા નથી. અને લોકો હેરાન થઇ ગયા છે કમળથી કંટાળી ગયા છે.
પ્રશ્ન : શું આમ આદમી પાર્ટીમાં મનોમંથન સાથેનું મહામંથન થશે ?
ઇસુદાન : રાજકારણમાં અને ખાસ કરીને આપની વાત કરીએ તો મહામંથન રાજકારણનો એક ભાગ છે અને એ ચાલતું રહે છે. ઇસુદાને આ સવાલ પર વધુ પ્રકાશ ફેંકવાનું ટાળ્યુ હતું અને ટૂંકો જવાબ આપી દીધો હતો.
પ્રશ્ન : વિજયભાઇ 20-20 રમ્યા હતા, ઇસુદાનનું શું પ્લાન છે ?
ઇસુદાન : ‘અબતક’ના સંવાદદાતાના સવાલરૂપી બાંઉસરને ડક કરવાના પ્રયાસમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હું અહીં કોઇ 20-20 રમવા આવ્યો નથી. લોકોના કામ કરવા માટે આવ્યો છું. સ્વાર્થી અને ભ્રષ્ટાચારી રાજકારણથી ગુજરાતને મુક્ત કરવું છે. ગુજરાતમાં લોકોએ હાડમારી ભોગવી છે. ભાજપ-કોંગ્રેસના મિલીભગતના રાજકારણથી નાગરિકોને છૂટકારો મળે એ માટે અમારી પાર્ટી ગુજરાતમાં ઉતરી છે. સામાન્ય નાગરિકોને દિલ્લીની જનતાની જેમ બધા લાભ મળે એ માટે અમારો પ્રયાસ રહેશે. મફ્ત વિજળી અને સારુ શિક્ષણ દિલ્હીમાં મળી શકતા હોય તો ગુજરાતમાં કેમ ન મળે એવું હવે લોકો વિચારતા થયા છે.
પ્રશ્ન : પત્રકારમાંથી રાજકારણી બન્યા છો તો આપને મર્યાદા અને લક્ષ્મણરેખાનો કેટલો સામનો કરવાનો આવશે ?
ઇસુદાન : ઇસુદાન ગઢવી મન મોકળુ કરીને કહ્યું હતું કે પત્રકાર તરીકેની કારર્કિદીમાં લક્ષ્મણ રેખાનું ધ્યાન રાખવું પડે છે. તેર વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કર્યુ અને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. એટલે હવે સૌરાષ્ટ્રભરમાં મારો જન સંપર્ક હવે સતત ચાલુ રહેશે. રાજકારણમાં હું લોકોના કામ કરવા માટે જોડાયો છું. રાજકારણમાં અત્યારે સારા માણસોનું જરૂર છે અને વધુને વધુ સારા માણસો રાજકારણમાં આવે એ અમારી પાર્ટીનું લક્ષ્ય છે. આપના આ અભિગમને કારણે સારા લોકો પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે. ગુજરાતના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટી જરૂરી છે એ વિચારીને હું આ પક્ષમાં જોડાયો છું.
ઇસુદાનએ ધર્મની લડાઇ લડવાની વાત કરી હતી અને સાથે સાથે એવો સંકેત પણ આપ્યો હતો કે ગુજરાતમાં આવનારી ચુંટણીઓમાં વિદ્યાર્થીઓની ફી, ખેડૂતોની સમસ્યાઓ અને આરોગ્ય મુખ્ય મુદ્ાઓ રહેશે. અમે સામાન્ય નાગરિકને શું લાભ આપી શકાય અને નાગરિકના ખિસ્સામાંથી શું જાય છે અને કેટલું એને પાછુ મળે છે એ જોવામાં આમ આદમી પાર્ટી રસ બતાવી રહી છે.
ચોથી જાગીરમાંથી રાજકારણમાં આવનાર ઇસુદાનએ ચુંટણીઓ લડશું કે નહીં એ સવાલના જવાબને સિફતપૂર્વક ટાળી દીધો હતો અને જણાવ્યું હતું કે અત્યારે હું પક્ષનું સંગઠન મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યો છું. ગુજરાતની જનતાને જાગૃત કરવાની ફરજ બજાવવાની છે. અને મારા મિડિયા મિત્રોને પણ હું અપીલ કરું છું કે તેઓ પણ સરકારને જગાડવાની ફરજ બજાવે.
છેલ્લે કોંગ્રેસ પર આકરાં તીર છોડતાં ઇસુદાન ગઢવીએ એવી સૂચક વાત કરી હતી કે કોંગ્રેસ અત્યારે ક્યાંય ચિત્રમાં નથી, કોંગ્રેસ મૃતપાય: બની ગઇ છે. એટલે આમ આદમી પાર્ટીની જવાબદારી વધી છે અને એ માટે લોકોની વચ્ચે આવી છે.
ભાજપ અને કોંગ્રેસ અંગેના સવાલો વિશે ઇસુદાનના જવાબો ઉપરથી એવો અભિપ્રેત થતું હતુ કે ગુજરાતમાં આવનારા દિવસોમાં આપનો મુકાબલો કોંગ્રેસ સાથે નહીં ભાજપ સાથે જ થશે. આ એમનો વધુ પડતો આત્મવિશ્ર્વાસ હતો કે પ્રજાના મિજાજનો સંકેત હતો એ આવનારો સમય જ સ્પષ્ટ કરી આપશે.