સરકાર સાથે કરેલ બેઠકના પોઝીટીવ પરિણામો આવ્યા છે: જેરામભાઈ વાંસજાળીયા
ગુજરાત રાજય સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને શૈક્ષણીક, સામાજીક અને આર્થિક સહાય માટે સર્વણ સમાજ આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગની રચના કરી રાજય સરકારે પાટીદાર સમાજ સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે. રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે શનિવારની રાત્રે શહેરના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની હાજરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારની સમાધાનકારી નીતિરીતિને પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ અને સમાજના શુભચિંતકો વરિષ્ઠ આગેવાનોએ એકસુર થઈ આવકાર્યુ છે. અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકારને અભિનંદન પાઠવ્યા છે.આ બેઠકમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતુ કે સરકાર પોઝીટીવ અભિગમ સાથે આગળ વધી છે. માંગણીઓ સ્વીકારવાના સરકારના આ વલણને આપણે સૌ વધાવવો જોઈએ.આ બેઠકમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને અનેક સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓનાં કર્તાહર્તા એવા જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકાર સામે જે આંદોલન ચાલતું હતુ તેમાં સરકાર પક્ષે તથા આંદોલનકર્તાઓનાં પક્ષે બંને તરફથી સકારાત્મક અભિગમ ઉભો થયો છે. આંદોલનકર્તાઓ દ્વારા જ સમાજની સંસ્થાઓનાં અગ્રણીઓને નિમંત્રણ અપાયું છે. અને અમો મધ્યસ્થી બની સમાજના હિતમાં આગળ વધ્યા છીએ. સરકાર સાથે કરેલ બેઠકના પોઝીટીવ પરિણામો આવ્યા છે. રાજય સરકારે ચારેય મુખ્ય માંગણીઓ સ્વીકારી છે અને કેબીનેટમાં તેને મંજૂરી પણ આપી દીધી છે. માટે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યકત કરૂ છું.આ બેઠકમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ પણ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે પાટીદાર સમાજની લાગણીઓ અને માંગણીઓ સમજી પાટીદાર સંસ્થાઓનાં સામાજીક તથા ધાર્મિક આગેવાનો સાથે સંવાદ અને વિચાર વિમર્શ કરી સમાજની માગણીઓનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે. માત્ર વચન નહી પર અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપણી સર્વેની નૈતિક ફરજ ઉભી થાય છે કે આ સકારાત્મક નિર્ણયને આવકારીએ. ગુજરાત રાજય સરકાર દ્વારા મુખ્ય ચાર માંગણીઓ જેવી કે બિન અનામત જ્ઞાતિઓને શૈક્ષણીક, સામાજીક અને આર્થિક સહાય માટે સર્વણ સમાજ આયોગની રચના કરવામાં આવી, આંદોલન દરમ્યાન પોલીસ દમન માટેના તપાસપંચની રચના કરવાનો નિર્ણય કરાયો છે. સાથોસાથ આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેંચી પાટીદાર સમાજના શહિદોને આર્થિક અને રોજગારી માટેની મદદ કરવાનો મકકમ નિર્ણય કરાયો છે. આમ આ માંગણીઓ સ્વીકારી રાજય સરકાર દ્દઢ નિર્ણયથી કામ કરી રહી છે. ત્યારે સામાજીક સંસ્થાઓનાં હોદેદારશ્રીઓ, સમાજના આગેવાનોના અને રાજય સરકારના સકારાત્મક અભિગમને કારણે સૌહાર્દનું જે વાતાવરણ ઉભુ થયું છે. તેને સહર્ષ સ્વીકારીએ. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા ના. મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલનો જાહેર આભાર વ્યકત કરી તેમને અભિનંદન પાઠવીએ.આ બેઠકનું સંચાલન ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ સફળતા પૂર્વક કર્યું હતુ. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાનું પુષ્પગુચ્છ આપી શ્રી રમેશભાઈ ટીલાળા તથા નાથાભાઈ કાલરીયાએ સ્વાગત કર્યું હતુ.આ બેઠકમાં પૂ‚ષોતમભાઈ રૂપાલા, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, બાવનજીભાઈ મેતલીયા, ધનસુખભાઈ ભંડેરી, રમેશભાઈ ટીલાળા, જેરામભાઈ વાંસજાળીયા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, ચિમનભાઈ હપાણી, ડી.કે. સખીયા , રઘુભાઈ ગડારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.