જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર શાપરગામના પાટીયા પાસે ગઈરાત્રે ત્રણેક વાગ્યો એક ટ્રકમાં શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતાં ધસી ગયેલી એલસીબીએ તે ટ્રકમાંથી અંગ્રેજી શરાબની નાની-મોટી મળી પ૭૬ બોટલ તથા બીયરના ૧૬૮ ટીન સાથે એક શખ્સને પકડી પાડયો છે. આરોપીએ માલ મંગાવનાર શખ્સનું નામ ઓકી નાખ્યું છે. ટ્રક સહિત રૃપિયા ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા ગઈરાત્રે જામનગર ખંભાળીયા ધોરી માર્ગ પર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા તથા પ્રતાપભાઈ ખાંચરને બાતમી મળી હતી કે સાપરના પાટીયા નજીકની એક હોટલ પાસે અંગ્રેજી શરાબની હેરાફેરી કરવામાં આવી રહી છે.
આ બાતમી પી.આઈ. આર.એ. ડોડીયાને વાકેફ કરવામાં આવ્યા પછી એલસીબીનો કાફલો સાપર ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પાસે ત્રાટક્યો હતો. આ હોટલના પાર્કીંગમાં પડેલી જીજે-૧૦વી-૯૯૬૯ નંબરની એક ટ્રકને એલસીબીએ ઘેરો ઘાલી તેની તલાસી લેતાં આ ટોરસ ટ્રકમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૯૬ મોટી બોટલ તેમજ ૪૮૦ નાની બોટલ (ચપટા) તેથા બીયરના ૧૬૮ ટીન મળી આવ્યા હતાં. ઉપરોક્ત જથ્થા સાથે એલસીબીએ ટ્રકમાં રહેલાં સિક્કાના મુકેશ મગનભાઈ પરમાર નામના શખ્સની અટકાયત કરી હતી.