રાજય મંત્રી મંડળની મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા માટે પેકેજ બનાવવામાં પોતાને મહત્વ આપવામાં આવ્યું ન હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ નારાજગી દાખવી હતી તેવી વાત વહેતી થઇ હતી જેને નીતિન પટેલે અફવા સમાન ગણાવી છે. તેમણે કહ્યું હતું કે, રાજયસભાની ચૂંટણી નજીક હોવાથી આવી વાતો ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા તેમને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના પેકેજને લગતી તમામ બાબતોમાં વિશ્વાસમાં લેવાયા હતા એટલું જ નહીં મારા સૂચનો પણ માન્ય રખાયા છે.
કેબિનેટની બેઠક શુક્રવારે સ્વર્ણિમ સંકુલ ખાતે મળી હતી. બેઠકની કાર્યવાહી સામાન્ય કરતા લાંબી ચાલી હતી. પહેલા સનદી અધિકારીઓ બેઠકની બહાર નીકળ્યા હતા અને થોડીવાર પછી મંત્રીઓ પણ બેઠક પૂર્ણ કરીને બહાર આવ્યા હતા. જેની થોડીવારમાં જ સચિવાલય સંકુલમાં નીતિનભાઇ બેઠકમાં નારાજ થયા અને ઉત્તર ગુજરાતમાં પૂરને લગતી બાબતો-નિર્ણયો મુદ્દે સીએમ રૂપાણી સમક્ષ ઉભરો ઠાલવ્યો હોવાની વાત દાવાનળની જેમ સચિવાલયમાં ફેલાઇ જવા પામી હતી. આ મુદ્દે મીડિયા દ્વારા નીતિન પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આવી વાતો વહેતી થઇ હોવાની માહિતી મળી છે પરંતુ તે પાયાવિહોણી છે. ઉલટાનું મને દરેક બાબતમાં વિશ્વાસમાં લેવાયો છે.