મોરબીના ખાનપર ગામે અનુ.જાતિના લોકોને તંત્ર દ્વારા સ્મશાન માટે નવી જમીન ફાળવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હોય તેવું લાગ્યું હતું. પરંતુ નવી જગ્યાએ દફન વિધિ કરવા સામે પટેલ સમાજે વિરોધ નોંધાવતા અનુ.જાતિ સમાજને જુના સ્મશાને દફનવિધિ કરવાની ફરજ પડી હતી.
ખાનપર ગામે અનુ.જાતિના લોકોને સ્મશાન માટે જમીન ફાળવવા મામલે બુધવારની રાત્રીથી ચાલતી મડાગાંઠનો સુખદ ઉકેલ આવ્યો હોય તેમ ગઈકાલે બપોરે મામલો થાળે પડ્યો હતો અને જમીન અંગેનો હુકમ કરી દેવાયો હતો જોકે ત્યારબાદ પટેલ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા ખાનપર ગામે તંગદીલીભરી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉપરાંત તંત્રએ અનુ. જાતિને સર્વે નં.૨ ની જે જમીન ફાળવી તેના વિરોધમાં પટેલ સમાજ કોર્ટના દ્વાર પણ ખખડાવશે.
ખાનપર ગામના અનુ. જાતિના લોકો સ્મશાન મામલે મૃતદેહ કલેકટર કચેરી લાવ્યા બાદ હોબાળો મચ્યો હતો અને દલિત આગેવાનોને સમજાવટના કલાકો સુધીના પ્રયાસો અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ મામલો થાળે પડ્યો હતો અને પ્રશ્નનો સુખદ નિવેડો આવ્યો હોય અને સમાધાન થઇ જતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ તંત્રના નિર્ણય બાદ ખાનપર ગામમાં વસતા પટેલ સમાજ દ્વારા આ જમીન ફાળવવાનો વિરોધ કરાયો હતો અને દલિત તેમજ પટેલ સમાજ સામસામે આવી જાય તેવી સ્થિતિ વચ્ચે પોલીસે તુરંત ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો
પટેલ સમાજના ટોળા રોડ પર બેસી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે પટેલ સમાજના વિરોધને પગલે એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે જોકે પટેલ સમાજ દ્વારા વિરોધ યથાવત હોવાનું જાણવા મળ્યું છે તો ચાપતા પોલીસ બંદોબસ્તને પગલે હાલ સ્થિતિ કાબુમાં છે છતાં આજે પટેલ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com