- ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય: ભેંસને હવે પોતાના જ શીંગડા ભારે પડ્યા
- નવી સરકારને આઠ મહિના થવા આવ્યા છતા હજી પ્રજામાં જોઇએ તેવી લોકપ્રિયતા પ્રસ્થાપીત કરી શકી નથી: ચૂંટણી વર્ષમાં ભાજપ ટેન્શનમાં
- સરકાર પાસે જનતાના દિલમાં વસવા હવે છ માસનો સ્ટ્રેટજીક ટાઇમ આઉટ
- સંગઠનના સતત વધતા વર્ચસ્વને ખાળવામાં સરકાર નિષ્ફળ: નવી સરકારમાં નિર્ણય શક્તિનો અભાવ, રાષ્ટ્રીય નેતાઓએ નેતૃત્વ પરિવર્તન બાદ સરકાર સારૂ કામ કરી રહી છે તે સાબિત કરવા વારંવાર ગુજરાતના આંટાફેરા કરવા પડે છે
કોરોનાની બે લહેરો, અતિવૃષ્ટી, વાવાઝોડા જેવી આફતોનો સફળતાપૂર્વક સામનો કરનાર વિજયભાઇ રૂપાણી પાસેથી અણધાર્યુ રાજીનામું લઇ ભાજપ હાઇકમાન્ડે ગત સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખનાદ કર્યો હતો. આઠ માસ જૂની પટેલ સરકાર ગુજરાતની જનતામાં ધારી એટલી ઉપડતી નથી. પ્રજામાં સરકારનું વર્ચસ્વ વધવાના કારણે સંગઠનનું વજન વધી રહ્યુ છે. ચૂંટણી વર્ષમાં ભાજપની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે.
ગત 11મી સપ્ટેમ્બરે-2021ના રોજ મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીનું રાજીનામું લઇ ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની શાસન ધુરા ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપી દીધી હતી. માત્ર સીએમ નહી મંત્રી મંડળના તમામ સિનિયર સભ્યોને ઘેર બેસાડી દેવામાં આવ્યા હતા અને તમામ વિભાગમાં નવા ચહેરા મુકવામાં આવ્યા છે. ભાજપ હાઇકમાન્ડ એવું માની રહ્યુ છે કે પક્ષ માટે ગુજરાત એક પ્રયોગશાળા છે. અહીં જે કંઇ પ્રયોગ કરવામાં આવે તે હંમેશા સફળ રહે છે. પરંતુ નેતૃત્વ પરિવર્તનના પ્રયોગનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જેના કારણે ચૂંટણી વર્ષમાં પક્ષની ચિંતા સતત વધી રહી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની કોઇ જ આવશ્યકતા ન હોવાના છતા હાઇકમાન્ડે એક વ્યક્તિને મોટો કરવા માટે આપી સરકારને ઘેરે બેસાડી દીધી નવા તમામ નવા બીજા શબ્દોમાં કહીએ તો બિન અનુભવીઓને ગુજરાતની ગાદી સોંપી દીધી. નવી સરકારને ટૂંક સમયમાં આઠ મહિના પૂરા થશે છતા જનતાનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. હજી સુધી મંત્રી મંડળના તમામ સભ્યોને પણ જનતા ઓળખતી નથી. ક્યાં મહાનુભાવો ક્યાં વિભાગના મંત્રી છે. તેની ભાજપના કાર્યકરોને પણ ખબર હોતી નથી. પોતે જનતાનાં વિશ્ર્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે તે વાત અંદરખાને ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ જાણે છે.
સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે તે પરાણે પુરવાર કરવા સરકારના 200 દિવસ સરકારના 222 દિવસ એવા રિપોર્ટ કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે. નવી સરકારનું ફોક્સ રાજ્યના સર્વાંગી વિકાસ પર નથી તે પુરવાર થઇ ચુક્યું છે. માત્ર એકાદ બે શહેરોમાં વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.જેના કારણે વિકાસ પણ અટકી પડ્યો છે.
ગુજરાતમાં સતત વધી રહેલા આમ આદમી પાર્ટીના પ્રભાવ અને કોંગ્રેસનું મજબૂત થઇ રહેલું સંગઠન માળખાને ધ્યાનમાં રાખી ભાજપ હાઇકમાન્ડ ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા વહેલી ચુંટણી આપવાના મુડમાં હતી પરંતુ છાનાખૂણે કરવામાં આવેલા સર્વમાં એવું જાણવા મળ્યુ કે રાજ્યમાં કોઇ જરૂરીયાત ન હોવા છતા કરવામાં આવેલા નેતૃત્વ પરિવર્તનથી જનતા સાથે ભાજપના કાર્યકરોમાં પણ અંદર ખાને વધતા-ઓછા પ્રમાણમાં રોષ છે. આટલુ જ નહી નવી સરકાર જનતામાં જોઇએ તેટલું વજન ઉભી કરી શકી નથી.
સરકારના બદલે સંગઠનના હોદ્ેદારો મોટાભાગના નિર્ણયો લેતા હોવાની વાતો પણ ચર્ચાય રહી છે. જેના કારણે જો વહેલી ચુંટણી આપવામાં આવશે તો ભાજપને ફાયદો થવાના બદલે નુકશાન થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપ માટે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્ો હવે ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડી રહ્યા હોય તેવો બની ગયો છે. નવી સરકાર ઉપડતી નથી. સંગઠનમાં પણ એક હથ્થુ શાસનના કારણે કાર્યકારોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. આવામાં રાજ્યમાં ચૂંટણી વર્ષમાં કોઇ નવો મુદ્ ઉભો ન થાય તે માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઇ શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાના હાથમાં બાજી લઇ લીધી છે. છેલ્લા બે દિવસથી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એમ.સંતોષ પણ ગુજરાતની મુલાકાત પર છે.
કાર્યક્રમ સત્તાવાર નથી પરંતુ ભાજપ નહી પરંતુ સંઘના નેતા તરીકે તેઓ ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતી જાણવા માટે અચાનક આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખૂબ જ સાલીન છે. તેઓ ગુજરાતની જનતાને સર્વશ્રેષ્ઠ શાસન વ્યવસ્થા આપવા ઇચ્છી રહ્યા છે. પરંતુ અમુક વ્યક્તિઓ સરકાર લોકપ્રિય બને તેવું ઇચ્છી રહ્યા છે. જન સંપર્ક યાત્રા થકી ભાજપે નવા મંત્રીઓની જનતા સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. છતા આઠ મહિના પુરા થવા પર હોવા છતા હજી સુધી મંત્રીઓને જનતા ઓળખતી નથી.
તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે એવું કોઇ કાર્ય કર્યું ન હતુ કે તેને અણધારી વિદાય આપી દેવી પડે. રાજ્યમાં એવું કોઇ પરિબળ પણ ન હતું કે નેતૃત્વ પરિવર્તનની જરૂરત હોય. હાઇકમાન્ડે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરી એક મોટી ભૂલ કરી છે. આ ભૂલ સુધારવા માટે હવે સમય રહ્યો નથી. રાજ્યમાં વહેલી ચૂંટણીની સંભાવના પર પૂર્ણ વિરામ મૂકાય ગયુ છે. સરકારને જનતાનો વિશ્ર્વાસ જીતવા માટે છ મહિનાનો સ્ટ્રેટજીક ટાઇમ આઉટ આપવામાં આવ્યો છે. સરકાર આ ટૂંકા સમય ગાળામાં જો જનતાના મનમાં વસી નહીં શકે તો ભાજપે માઠા પરિણામ ભોગવવા પડશે.