સાત વર્ષના લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્ત નહી થતા પુત્રના ઘરે પારણુ બાંધવા સંબંધ બાંધવા દબાણ કરતો

અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર

પાટડી તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ ચોંકાવનારી ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઇ છે. એકલતામાં ખરાબ વર્તન રાત્રિ દરમ્યાન ઘણીવાર શરીરે અડપલાં કરવા આવતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. પોતાની પુત્રની ગેરહાજરીમાં ખુદ પુત્રવધુ સાથે ગંદી હરકતો કરતો હોવાનો સનસનીખેજ આક્ષેપ ખુદ પુત્રવધુએ મૂક્યો છે.

પુત્ર મારફતે સંતાન નહિ થતું હોવાથી શિક્ષકની ફરજ બજાવતા સસરા વારંવાર અડપલાં કરતાં હતા. શરીર સંબંધ બાંધવા કોશિશ કરી ચૂક્યાની ફરિયાદ શંખેશ્વર પોલીસ મથકે દાખલ થતાં રોઝવા ગામે શિક્ષકની નોકરી કરતાં પ્રેમજી મકવાણા રજા ઉપર ઉતરી ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની રોઝવા પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. ખુદ પુત્રવધુએ છેડતીની ફરિયાદ પોતાના જ સસરા વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશને નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. હકીકતે મૂળ શંખેશ્વર તાલુકાના રૂણી ગામનાં અને શિક્ષક તરીકે પાટડી તાલુકાના રોઝવા ગામની શાળામાં ફરજ બજાવતા પ્રેમજી મકવાણા સામે તેમનાં જ પુત્રની વહુએ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ કરી છે. જેમાં શિક્ષક પ્રેમજી મકવાણાનો પુત્ર સંતાન પેદા કરવા અસક્ષમ હોવાથી તેની પત્ની ગર્ભવતી બની શકતી નહોંતી. વર્ષો સુધી ગર્ભવતી નહિ બનતાં પુત્રનો વારસો વધારવા શિક્ષક પ્રેમજી મકવાણાએ હરકતો શરૂ કરી હોવાનું ફરિયાદ આધારે સામે આવ્યું છે. પતિ અસક્ષમ હોવાથી સસરા અવારનવાર રાત્રે પોતાના રૂમમાં આવતાં હતા.

આ દરમ્યાન શરીરે અડપલાં કરી શરીર સંબંધ બાંધવા કોશિશ કરતાં હોવાનું ખુદ પુત્રવધુએ લખાવ્યું છે. પતિ નોકરી ઉપર જતાં પતિની ગેરહાજરીમાં સસરા અડપલાં કરતાં હતા. પુત્રવધુએ ઘણો સમય આવી પરિસ્થિતિ સહન કર્યા બાદ પતિ સહિત શિક્ષક સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમી તાલુકાના ગામની યુવતિના લગ્ન શંખેશ્વર તાલુકાના રૂણી ગામના યુવક સાથે 7 વર્ષ અગાઉ થયા હતા. બાદમાં પુત્ર નહિ થતાં પતિ ખામીવાળો હોવાનું જાણવા મળતાં સંતાન માટે પ્રશ્ન થયો હતો. આથી પુત્રનો વારસો વધારવા શિક્ષક પ્રેમજી મકવાણાએ પોતાની જ પુત્રવધુ સાથે શારીરિક અડપલાં શરુ કર્યા હતા. આથી મહિલાએ આ બાબતે મનાઇ કરતાં પતિએ માનસિક દબાણ લાવી આઇવીએફ મારફતે સંતાન લાવવા કર્યું હતું. આ પછી મહિલા ગર્ભવતી બનતાં પતિ અવારનવાર મહેણાં ટોણાં મારી સંતાન કોનું હોવાના સવાલો કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ પતિ, સાસુ અને શિક્ષક સસરા પ્રેમજી મકવાણા વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.