સતકાર્યના હેતુથી પોતાના લાંબા કાળા વાળ કેન્સર પીડિત બહેનો માટે દાન કર્યા

અબતક સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વૃત્તિને પાછલા ઘણા સમયથી માનવસેવા માટે કંઇક કરવાની ઇચ્છા હતી. જેથી ઈન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પરથી માહિતી મેળવી અને “મદાત ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઇને પસંદ કર્યુ. ત્યાંથી એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ( વિસનગર- જી.મહેસાણા )ના પ્રેસિડેન્ટ તૃપલ પટેલનો સંપર્ક કરવા જણાવાયું હતું. પાટડીની વૃત્તિ અધ્યારૂએ અંગત ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સ્ત્રી છુ અને સ્ત્રી માટે માથાના વાળનું મૂલ્ય શું છે તે સમજુ છુ. એવી સ્ત્રી કે જેણે બિમારીથી પોતાના વાળ ગુમાવ્યા છે અને ફરી ક્યારેય આવવાના નથી. તેની અસહ્ય પીડા, વેદના હું અનુભવી શકુ છુ. તેથી જ આવી બહેનો માટે મને ખુબ ગમતા મારા લાંબા, કાળા અને ચમકદાર વાળનું દાન કરવાનું સહર્ષ પસંદ કર્યુ હતું.

પાટડીની વૃત્તિ અધ્યારૂના માતા-પિતા ઉષાબહેન અને મુકેશભાઇએ પ્રતિભાવ આપ્યો કે, લોકો માનવસેવા માટે રક્તદાન તેમજ વિવિધ અંગોનું દાન કરે છે. અમારી દિકરીને કેન્સરમાં વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે કેશ દાન કરવાની ઇચ્છા થઈ તો અમે તેને ખુશીથી વધાવી લીધી. અન્ય સ્ત્રીઓની જેમ વૃત્તિને પણ તેના લાંબા કાળા ચમકદાર વાળ ખુબ જ ગમતા. વૃત્તિએ તેની પ્રિય વસ્તુનું માનવસેવા અર્થે દાન કર્યું તેનું અમને ગૌરવ છે.પાટડીમાં કેશ લેવા આવેલા ઇ.એસ.એસ. આર.સી.ના પ્રેસિડેન્ટ તૃપલ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, તેમની ટાટા મેમોરિયલ ટ્રસ્ટ સાથે સંલગ્ન આ સંસ્થા ઘણા વર્ષોથી આ સદકાર્ય કરે છે. એમાં મળેલા વાળ મંગલ આનંદ હોસ્પિટલ (મુંબઈ)ને મોકલી દેવામાં આવે છે. ત્યાંથી વાળની વિગ બનાવવામાં આવે છે. જેનો ખર્ચ અઢારથી વીસ હજાર જેટલો થાય છે અને કેન્સરથી વાળ ગુમાવેલી બહેનોને વિના મૂલ્યે અપાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની જાણ મુજબ કેશદાનનો પ્રસંગ સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલો જ છે. પાટડીના શિક્ષિત પરિવારની શિક્ષિત દિકરીના ઉમદા કાર્યથી સમાજને પ્રેરણાની સાથે જાગૃતિ આવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.