જમીનનાં ચાલતા કેસોમાં તરફેણમાં ચુકાદો આપવા લાંચ માંગી ‘તી રૂ.૨૭ હજાર અગાઉ લીધા બાદ ૩.૭૩ લાખ લેતા રંગે હાથ પકડાયા
પાટડી નાયબ કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂપિયા ૪ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર ફેલાઈ છે. અમદાવાદમાં રહેતા દિપકભાઈ ભટેલની સુરેલ, ઓડુ, શેડલા, ફતેપુર અને પાટડીમાં આવેલી જમીનના ચાલતા કેસોમાં તરફેણમાં ચુકાદો આપવા બંનેએ લાંચ માંગી હતી. પાટડી પ્રાંત કચેરીમાં જ ગોઠવેલા છટકામાં બંને અધિકારી રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
આ બનવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા દીપકભાઈ પટેલની પાટડી, ઓડુ, શેડલા, ફતેપુર અને સુરેલમાં જમીનો આવેલી છે. આ જમીનોના મુળ માલિકોએ જમીન શરતભંગના કેસો કર્યા હોવાથી તેમની તરફેણમાં ચુકાદો આપવા પાટડી નાયબ કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિએ રૂપિયા ૪ લાખની લાંચ માંગી હતી. આથી દિપકભાઈએ એસીબીને જાણ કરી હતી. જેના લીધે અમદાવાદ એસીબીએ બન્ને અધિકારીઓને ફોન કરી મંગળવારે સાંજે પાટડી પ્રાંત કચેરીમાં જ નાણા આપવાની વાત થઈ હતી. આ સમયે ટ્રેપના સ્થ્ળે એસીબીની ટીમ તૈનાત હતી. દરમિયાન પાટડી નાયબ કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂ.૩.૭૩ લાખ લેતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકતા બન્ને અધિકારીઓના હોશકોશ ઉડી ગયા હતા અને પોતે એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયાની જાણ થઈ હતી. બંને સામે લાંચ રૂશ્વત ધારા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરાઈ છે.
ફરિયાદી પાસે કામ કરાવવા માટે અધિકારીઓ તેનો ઉપયોગ કરવામાં કાંઈ જ કસર છોડી ન હતી. પૈસાની ડીલ તો પાકકી થઈ ગઈ હતી. તેમ છતાં નાયબ કલેકટરે અમદાવાદ ખાતે રહેતા તેમના બેનને ત્યાં ફરિયાદીને એસી ફિટ કરવાનું કીધું હતું. ડીસીએ વોટસઅપમાં કરેલા એડ્રેસ સહિતના પુરાવા પણ ફરિયાદીએ રજુ કર્યા હતા. ડેપ્યુટી કલેકટરે જમીનનું કામ કરવા માટે રૂ.૪ લાખની માંગણી કરી હતી. બંને વચ્ચે પૈસા ઓછા કરવા માટે લાંબી ચર્ચા ચાલી હતી. બાદમાં રૂ૪ લાખ જ ફિકસ થયા હતા. સોદા મુજબ રૂ.૨૭ હજાર ફીરયાદીએ અગાઉ આપી દીધા હતા અને બાકીના પૈસા મંગળવારે આપવાનું નકકી થયું હતું.