- સોનાના ધરેણાની લૂંટ ચલાવી વૃઘ્ધાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા
પાટડી તાલુકાના વડગામ ખાતે વૃધ્ધ મહિલાની હત્યા તેમજ લુંટનો ચક્ચારી બનાવ બન્યો હતો જે બનાવ અંગે ફરીયાદ નોંધાયા બાદ જીલ્લા પોલીસ વડાની સુચનાથી અલગ-અલગ ટીમો બનાવી હત્યા નીપજાવનાર શખ્સોને ઝડપી પાડવા પોલીસે કવાયત તેજ કરી છે તેમજ આ મામલે અનેક લોકોના નિવેદનને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ પાટડીના વડગામ ગામે એકલા રહેતા 72 વર્ષના વૃધ્ધ મહિલા શાંતાબેન ડોડીયાના ઘરમાં ઘુસી અજાણ્યા શખ્સોએ કાન કાપી સોનાની પાંચ વારીયો અને હાથની બંગડીઓ મળી અંદાજે રૂા.1.80 લાખના મુદ્દામાલની લુટ ચલાવી મહિલાને ટુંપો દઈ હત્યા નીપજાવી નાસી છુટ્યા હતા જે બનાવની જાણ થતાં જીલ્લા પોલીસવડા ડો. ગીરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વી.બી.જાડેજા સહિત દસાડા પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં અલગ-અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી કુટેજ તેમજ લોકોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેમજ મૃતકના કપડાને પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે અને બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં મોબાઈલ પર કોઈએ વાત કરી હોય તો તેનું પણ ટ્રેસીંગ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.