સુરેન્દ્રનગર પથકમાં પાટડી તાલુકાની હદમાંથી પોલીસે અલગ-અલગ સમયે પકડેલા વિદેશી દારૂના જથ્થાને પોલીસ ક્વાર્ટસમાં રખાતો હોય છે. જેને ગુરુવારે નાશ કરવા લઇ જતાં સમયે 3 પોલીસ કર્મી અને 1 જીઆરડી જવાનની દાનત બગડતા તે સગેવગે કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે દારૂને સરકારી વાહનમાંથી ખાનગી વાહનમાં ફેરવી લઈ જતા હોવાની બાતમી વોટ્સએપ કોલથી પોલીસ વડાને જાણ થતાં તપાસના આદેશ કરતાં બજાણા પોલીસ મથકના 4 કર્મીઓ સામે ગુનો નોંધી તેની અટકાયત કરાઇ છે.
વોટ્સએપમાં એસ.પીને કારના નંબર સાથે દારૂની ચોરી કર્યોની બાતમી મળતા કાયર્ર્ર્વાહી
નાશ કરવા બહાર કઢાયેલા દારૂ પર તરાપ મારનારં બજાણા પોલીસના કર્મી અને જીઆરડી સામે ગુનો નોંધાયો
વિગતો મુજબ પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલીસ મથકમાં પોલીસે દરોડા પાડી સીઝ કરેલા દારૂના જથ્થાનો ગુરુવારે બુલડોઝર ફેરવી નાશ કરવાની કાર્યવાહી કરવાની હતી. ત્યારે કોઈ અજાણ્યા માણસનો એસપી પર વ્હોટ્સએપ કોલ આવતા એણે જણાવેલું કે, તમારા પોલીસ સ્ટેશનના ગુનાનો માલ અમુક માણસો પોતાના ત્રણ ખાનગી વાહનોમાં ભરાવી રહ્યાં છે. આથી સુરેન્દ્રનગર એસપી ડો.ગિરીશભાઇ પંડ્યાએ તાકીદે દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી અટકાવી પોલીસ તપાસના આદેશ કર્યા હતા.જેમાં તપાસમાં બજાણા પોલીસ મથકના ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા, ભાવેશભાઈ જયંતીલાલ રાવલ અને ગોવિંદભાઇ મયાભાઈ ભરવાડ સહીત જીઆઈડી સભ્ય યોગેશભાઈ કાળુભાઇ મેરાણી પોલીસની નજર ચૂકવીને પાટડી પોલીસ લાઈનના કમ્પાઉન્ડમાં રાખેલા ડમ્પર તથા આઇસર ગાડીમાંથી બોટલો નંગ- 116 કિંમત રૂ.43,250, જીપ કંપાસ તથા બ્રેઝામાં બોટલો નંગ- 34 કિંમત રૂ.13,600 અને અલ્ટો ગાડીમાં બોટલો નંગ- 56 કિંમત રૂ. 39,600 મળી કુલ બોટલો નંગ- 206 કિંમત રૂ. 96,300નો મુદામાલ અલગ અલગ વાહનમાં ભરી લઈ જવાની તૈયારી સાથે મળી આવતા પાટડી પોલીસ મથકે ગુનો દાખલ કરી અટકાયત કરાઇ હતી.
આ અંગે તપાસમાં બે ખાનગી ગાડી પોલીસ સ્ટાફની અને એક ગાડી જીઆરડી જવાનની હોવાનું ખુલતા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગાડી સહિતનો મુદામાલ કબ્જે લઈ બજાણા પોલીસ મથકના ત્રણ પોલીસ સ્ટાફ અને એક જીઆરડી જવાન વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.એસપીએ કુલ જથ્થાની ગણતરી કરતાં દારૂની 606 બોટલ રૂ.1,88 લાખની ઘટ આવી હતી. ચારે પોલીસ કર્મી પાસેથી મળેલી 206 બોટલ અને પોલીસ લાઈનમાંથી છૂટીછવાઈ 205 કિંમત રૂ. 90,500ની વિદેશી દારૂની બોટલો મળી આવવાં છતાં હજુ 200 બોટલની ઘટ આવતાં તે કોણ લઇ ગયુ તે તપાસનો વિષય છે.