શાકભાજી લેવા જતી વેળાએ યુવક અકસ્માતમાં કાળનો કોળીયો બનતા પરિવારમાં અરેરાટી
પાટડી તાલુકાના મેરા ગામ પાસે ચુડેલ માતાજીના મંદિર પાસે રૂપેણ નદીના પુલ ઉપર મોટરસાયકલ લઇને ધનોરાથી મેરા શાકભાજી લેવા જઇ રહેલા ભરતજી કાળાજી ઠાકોર અને વિપુલજી ભુરાજી ઠાકોરના બાઇક સાથે સામેથી માંતેલા સાંઢની માફક આવી રહેલા આઇશરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આઇશર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર બંને યુવાનો રોડ પર પટકાયા હતા.
જેમાં શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના ભરતજી કાળાજી ઠાકોરને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ધનોરા ગામના જ વિપુલજી ભુરાજી ઠાકોરને પણ હાથે, પગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે સીતાપુર ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
બીજી બાજુ આઇશર ચાલક મોટરસાયકલ સાથે સર્જાયેલા અકસ્માત બાદ આઇશર મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કર્યો હતો.