સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતના પાનવા ગામે 1008 પાર્શ્વનાથ ભગવાનના એકમાત્ર ભવ્ય મંદિરની પ્રથમ ઝલક સૌથી પહેલા ડીબી ડીઝીટલમાં જોવા મળી છે. જેમાં જૈનચાર્યોનો સંકલ્પ પૂર્ણ થવાની સાથે 1 વર્ષમાં જૈન ધર્મગ્રંથોમાંથી ભગવાન પાર્શ્વનાથના 1008 નામ શોધ્યા હતા. જૈનાચાર્ય આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય લેખેન્દ્ર સુરીશ્વર મહારાજના દ્રઢ નિશ્ચયના કારણે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાન મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે. ગુજરાતના શંખેશ્વર પાર્શ્વનાથથી 12 કિમી દૂર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાનવા ગામે 8 વીઘામાં આ ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. જેમાં કુલ 7 મંદિરમાં મુખ્ય ભગવાન પાર્શ્વનાથ, ગુરુદેવ ધનેન્દ્ર સૂરી, અંબે માતા, નાકોડા ભૈરવ, પદ્માવતી માતા, ઘંટાકર્ણ મહાવીર અને મણિભદ્ર વીરની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.
25 જાન્યુઆરીથી શરૂ થનાર પ્રતિષ્ઠા મહોત્સવની 8 દિવસ ઉજવણી કરવામાં આવશે, દેશ-વિદેશના ભક્તોનો જામશે જમાવડો
જ્યારે મંદિર પરિષરમાં નિર્મિત 1008 દેરીઓમાં ભગવાન પાર્શ્વનાથના વિવિધ 1008 સ્વરૂપની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. આચાર્ય દેવેશના જણાવ્યાનુસાર મૂર્તિઓની પાછળ આકર્ષક સુંદર કોતરણીવાળા સિંહાસન હશે. અને આ મૂર્તિઓ રાજસ્થાનના જયપુરથી આવશે, આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 25મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં મહેમાનોને મારવાડી સ્વાદમાં મહાપ્રસાદી પીરસવામાં આવશે.
-:: મંદિરની ખાસ વિશિષ્ટતાઓ ::-
- પાટડી તાલુકાના પાનવા ગામે 8 વીઘામાં આ ભવ્ય મંદિર આકાર લઈ
- 108 ઇંચની મુખ્ય ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથની વાદળી રંગની પ્રતિમા
- બાકીની 6 પ્રતિમા 31 ઇંચની અને 1008 પ્રતિમા 15-15 ઇંચની હશે
- 25 જાન્યુઆરીથી શરૂ થનાર આ પ્રતિષ્ઠા મહોત્સવ 8 દિવસ ચાલશે, જેમાં વિદેશથી પણ પરિવાર આવશે
- 100 સંતો માટે નગરી અને સંસદ ભવનની શૈલી મુજબનું પૂજાસ્થળ અને 10,000 લોકો બેસી શકશે
- 65 વીઘા કુલ જમીન, 8 વીઘામાં મંદિર, બાકીની જમીનમાં કાર્યક્રમ માટે પંડાલ બનાવશે અને હેલિકોપ્ટર 8 દિવસ રોકાશે